ન્યૂ યોર્કઃ અમેરિકાના મહાનગરમાં આયોજિત બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતમાં આર્થિક સ્થિતિ સુધારા ઉપર છે અને રાજકીય સ્થિરતા છે.
વિશ્વના ટોચના ઉદ્યોગગૃહોને ભારતમાં જંગી મૂડીરોકાણનું આમંત્રણ આપતા તેમણે કહ્યું હતું કે તમારી પાસે અદ્યતન ટેક્નોલોજી છે તો ભારત પાસે ભરપૂર ટેલેન્ટ છે.
વૈશ્વિક ઉદ્યોગપતિઓને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા ઈચ્છતા હો તો ભારતમાં આવો. વૈશ્વિક સ્તરે ઝડપથી આગળ વધી રહેલા ભારતીય અર્થતંત્રની છબી રજૂ કરતા તેમણે વૈશ્વિક ઉદ્યોગપતિઓને ભારતમાં મોટા પાયે રોકાણ કરવા આહવાન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ભારત અર્થતંત્રને મજબૂત કરવા માટે એક પછી એક ડગલાં આગળ વધી રહ્યો છે. સમગ્ર દુનિયા જાણે છે કે, ભારત મોટા અને આકરાં પગલાં લઈ શકે છે. ભારતમાં કોર્પોરેટ ટેક્સમાં કરાયેલો નોંધપાત્ર ઘટાડો તેનું મોટું અને ઉત્તમ ઉદાહરણ છે. ભારત સરકારે આર્થિક વિકાસને તેજી આપવા માટે જ આ ક્રાંતિકારી પગલું ભર્યું છે.
૨૦૧૪માં સરકારની રચના થયા બાદ અનેક બિનજરૂરી કાયદાઓને દૂર કર્યા છે. આ વાતનો ભારપૂર્વક ઉલ્લેખ કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે અમે ૫૦થી વધારે એવા કાયદા દૂર કર્યા છે જે ઉદ્યોગ-વેપારમાં અને આર્થિક વિકાસમાં અડચણરૂપ હતા.
મૂડીરોકાણકારો માટે સોનેરી મોકો
વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે, હાલમાં ભારતમાં રોકાણ કરવાનો દુનિયાભરના ઉદ્યોગપતિઓ માટે સોનેરી અવસર છે. લોકોની ખરીદશક્તિમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં જે લોકો ભારતમાં મૂડીરોકાણ કરવા ઈચ્છે છે તેમનું સ્વાગત છે. તેમણે જણાવ્યું કે, હાલની સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં જેટલું રોકાણ કરવામાં આવી રહ્યું છે તેટલું આ પહેલાં ક્યારેય થયું નથી.
આગામી સમયમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવશે. આ ઉલ્લેખ સાથે તેમણે જણાવ્યું હતું કે અમે સંરક્ષણ ક્ષેત્રને પણ ખુલ્લું મૂક્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતે વિકાસનું વિશાળ લક્ષ્ય રાખ્યું છે. અમે સત્તા ઉપર આવ્યા ત્યારે દેશની ઈકોનોમી બે ટ્રિલિયન ડોલરની આસપાસ હતી. અમે માત્ર પાંચ જ વર્ષમાં તેમાં એક ટ્રિલિયન ડોલરનો વધારો કર્યો છે.
સંબોધનના મુખ્ય અંશો
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતીય અર્થતંત્રમાં ગ્રોથના ચાર પરિબળ છે જે દુનિયાના ભાગ્યે જ કોઈ દેશમાં જોવા મળે છે. ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિમાન્ડ અને ડિસાઈસિવનેસ - આ ચાર બાબતો ભારતને અલગ તારવે છે.
• દેશમાં વર્તમાન સમય જેવી રાજકીય સ્થિરતા દાયકાઓ બાદ પહેલી વખત જોવા મળી રહી છે. • ભારત દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું એવિયેશન માર્કેટ બની ગયું છે.
• ભારતને જે બાબત વિશેષ અને શ્રેષ્ઠ બનાવે છે તેની પાછળ જવાબદાર કારણ છે નિર્ણય લેવાની ક્ષમતા.
• અગાઉ ભારતમાં ટેક્સના જાળા ફેલાયેલા હતા, તે બધા દૂર કરીને જીએસટી દ્વારા એક દેશ, એક ટેક્સ લાગુ કરાયો છે.
• ઇન્કમ ટેક્સ રિટર્ન અને ટ્રેડિંગ સરળ બનાવવા માટે તેમ જ તેમાં વધારો કરવા પર અમે ભાર મૂક્યો છે.
• ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ લાગુ કરીને આર્થિક ગુનેગારો ઉપર સકંજો વધુ મજબૂત બનાવ્યો છે.
• ખૂબ જ ઓછા સમયગાળામાં દેશના ૩૭૦ મિલિયન લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે.