વોશિંગ્ટનઃ અમેરિકન અંતરિક્ષ સંશોધન સંસ્થા નાસાએ તૈયાર કરેલા માર્સ હેલિકોપ્ટરનો ફ્લાઇંગ ટેસ્ટ તાજેતરમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. પાતળા અને ઓછું ગુરુત્વાકર્ષણ ધરાવતા વાતાવરણમાં ઊડી શકે તેવી રીતે બનાવાયેલા આ હેલિકોપ્ટરને ‘માર્સ-૨૦૨૦ રોવર’ નામના અવકાશયાનમાં આ હેલિકોપ્ટર મુકાશે. આ યાન ફેબ્રુઆરી-૨૦૨૨માં મંગળની સપાટી પર પહોંચશે અને મંગળના વાતાવરણમાં પહોંચ્યા બાદ હેલિકોપ્ટરને યાનમાંથી બહાર છોડી મુકાશે.
હેલિકોપ્ટરના પ્રોજેક્ટના મેજેનર મીમી ઓંગનું કહેવું છે કે, પૃથ્વીના વાતાવરણમાં ઉડતા હેલિકોપ્ટરની રચના સહેલી છે, પરંતુ મંગળના પાતળા વાતાવરણમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરી શકે તેવા હેલિકોપ્ટરનું નિર્માણ કરવું એ ઘણાં સંશોધન માગી લે છે. પૃથ્વી પરની ઘનતાના એક ટકા જેટલી જ ઘનતા મંગળ પર છે. તેથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે અતિવિશાળ પારદર્શક સિલિન્ડર તૈયાર કરાયા હતા. જેમાંથી ઓક્સિજન અને નાઇટ્રોજન ખેંચી લેવાયા હતા. તેમાં કાર્બન ડાયોક્સાઇડ ભરવામાં આવ્યો હતો. કારણ કે મંગળના વાતાવરણનો મુખ્ય ઘટક વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. આવી રીતે સિલિન્ડરમાં મંગળમાં હોય તેવી ઘનતા સર્જી ટેસ્ટિંગ હાથ ધરાયું હતું.