વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ ભેટ આપી છે. તેમણે વડાપ્રધાન મોદીને એક કોફી ટેબલ બુક ‘અવર જર્ની ટુગેધર’ ગિફ્ટ કરી હતી. તેની પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની સહી છે અને સંદેશ લખાયો છે કે ‘મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર યુ આર ગ્રેટ...’ 320 પેજનું આ પુસ્તક છે જેમાં ‘હાઉડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ જેવા કાર્યક્રમોની ઝલક સામેલ છે.
બંને નેતાઓએ આ દરમિયાન એકબીજા માટે ખૂલીને સમર્થન આપતા જોવા મળ્યા હતા. ‘હાઉડી મોદી’ રેલી 2019માં હ્યુસ્ટનના ફૂટબોલ સ્ટેડિયમમાં યોજાઈ હતી, જેમાં 50 હજાર કરતા વધારે ભારતીય અમેરિકનો સામેલ થયા હતા.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેએ ભાષણ આપ્યું હતું. જ્યારે ટ્રમ્પના ભારત પ્રવાસ વખતે અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેબ્રુઆરી 2020માં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી મજબૂતી પ્રદાન કરાઈ હતી.
અહેવાલો અનુસાર ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ગિફ્ટ કરેલું પુસ્તક ફ્લિપકાર્ટ અને એમેઝોનની સાઈટ પર ઉપલબ્ધ છે. જેની કિંમત 6,000 રૂપિયા છે. ટ્રમ્પ સ્ટોર પર તે 100 ડોલરમાં વેચાઈ રહ્યું છે. પુસ્તકમાં ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળની યાદગાર પળોને દર્શાવાઈ છે. તેમાં કિમ જોંગ ઉન, શી જિનપિંગ અને વ્લાદિમી પુતિન જેવા વૈશ્વિક નેતાઓ સાથે ટ્રમ્પની મુલાકાતનો પણ ઉલ્લેખ છે.