લંડનઃ યુદ્ધભૂમિમાં કૂતરાં અને ઘોડાએ બહાદુરી દાખવીને કાળા માથાના માનવીના જીવ બચાવ્યા હોવાના કિસ્સા તો આપ સહુએ ઘણા સાંભળ્યા હશે, પરંતુ પણ આ વાત ઉંદરની છે. જમીનમાં છૂપાયેલા વિસ્ફોટકો અને લેન્ડમાઇન્સ (સુરંગો) શોધીને હજારો લોકોનું જીવન બચાવવા બદલ મગાવા નામના ઉંદરને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયો છે. પ્રાણીઓના સન્માન માટે કામ કરતી બ્રિટનની ચેરિટી સંસ્થા પિપલ્સ ડિસ્પેન્સરી ફોર સિક એનિમલ (પીડીએસએ) દ્વારા આયોજિત કાર્યક્રમમાં ‘મૂષક વીર’ મગાવાને આ સન્માન એનાયત થયું હતું. ઉલ્લેખનીય છે કે મગાવાને એનાયત થયેલો મેડલ ‘પ્રાણીઓના જ્યોર્જ ક્રોસ’ એવોર્ડ તરીકે ઓળખાય છે, અને પહેલી વખત કોઇ ઉંદરને આ સન્માન મળ્યું છે.
મગાવાએ આ પરાક્રમ એશિયાઈ દેશ કમ્બોડિયામાં કરી દેખાડયું છે. ઉલ્લેખનીય છે કે કમ્બોડિયા, લાઓસ, આફ્રિકાના અનેક દેશોની જમીનમાં આજે પણ અનેક સુરંગો બિછાવાયેલી છે. આ સુરંગો દર વર્ષે લાખો લોકોના જીવ લે છે અથવા ઘાયલ કરે છે કેમ કે યુદ્ધ કે સંઘર્ષ વખતે સુરંગ બિછાવવી સરળ છે, પરંતુ તેને કાઢવી અઘરી છે. આથી મોટે ભાગે સુરંગોને જેમની તેમ છોડી દેવાતી હોય છે, જે પાછળથી નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થાય છે.
ઉંદરોને તાલીમ આપીને તેમની પાસેથી વિસ્ફોટકો તથા શરીરમાં રહેલો ટીબીનો રોગ શોધી કાઢવાનું કામ કરતી સંસ્થા એન્ટિ-પર્સોનલ લેન્ડમાઈન્સ ડિટેક્શન પ્રોડક્ટ ડેવલપમેન્ટ દ્વારા મગાવાને આ સન્માન અપાયું છે. મગાવાને આ સંસ્થાએ વિસ્ફોટકો શોધી કાઢવાની તાલીમ આપી છે. મગાવા ફક્ત નાકથી સૂંઘીને કેવી રીતે સુરંગો શોધી કાઢે છે તેનું વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું.
વિરાટ કદ - તીવ્ર ઘ્રાણેન્દ્રીય
આફ્રિકામાં થતાં આ જાયન્ટ પાઉચેડ રોડન્ટનું વજન સવા કિલોગ્રામ સુધીનું અને કદ દોઢ-પોણા બે ફૂટ જેટલું હોય છે. આ પ્રજાતિના ઉંદર ખૂબ જ તીક્ષ્ણ બુદ્ધિ અને ઘ્રાણેન્દ્રીય ધરાવતા હોય છે અને તેમને સરળતાથી તાલીમ પણ આપી શકાય છે. આથી જ સુરંગો, વિસ્ફોટકો વગેરે શોધવામાં તેનો ઉપયોગ થાય છે. મગાવાએ તાલીમ બાદ કમ્બોડિયામાં ૧.૪૧ લાખ ચોરસ મીટર જમીન સુંઘીને વિસ્ફોટકો શોધી કાઢ્યા છે. સાથે સાથે જ તેણે ટીબીના દર્દીઓને પણ ઓળખવામાં સફળતા મેળવી છે.
જમીનમાં ધરબાયેલી સુરંગો શોધી કાઢીને તેને નિષ્ક્રિય કરવાની કામગીરી કરતી આ સંસ્થા પાસે લેન્ડમાઈન્સ શોધવા માટે ૪૫ ઉંદરોની અને ટીબી ઓળખવા માટે ૩૧ ઉંદરોની ફોજ છે. દુનિયાના ખૂણે ખૂણે જ્યાં જરૂર પડે ત્યાં આ ઉંદરની ટીમને કામે લગાડવામાં આવે છે.
સંસ્થાના કહેવા પ્રમાણે ૭૭ વર્ષના ઈતિહાસમાં જ્યોર્જ ક્રોસની સમકક્ષ ગણાતો ગોલ્ડ મેડલ મેળવનારો એે પ્રથમ ઉંદર છે. મગાવા હવે તો નિવૃત્ત થવાની ઉંમરે પહોંચ્યો છે, પણ તેની ઝડપ એટલી છે કે ટેનિસનું મેદાન એ માત્ર ૩૦ મિનિટમાં સુંઘી નાખે છે.
એક વર્ષની આકરી તાલીમ
સામાન્ય રીતે ઉંદરને લેન્ડમાઈન સૂંઘી કાઢવા માટે એકાદ વર્ષની આકરી તાલીમ આપવી પડે છે. જોકે ઉંદરથી વધારે મહેનત તેના ટ્રેઈનરે કરવી પડતી હોય છે. એકલા કંબોડિયામાં જ ૧૯૭૫થી ૧૯૮૮ વચ્ચે ૬૦ લાખ સુરંગો બિછાવવામાં આવી હતી. તેના કારણે અત્યાર સુધીમાં ૬૪ હજાર જીવ ગયા છે કેમ કે કોઈ વ્યક્તિ જમીનમાં દટાયેલી સુરંગ પર અજાણતા પગ મુકે તો પછી મોટે ભાગે તેનું મોત જ થાય. મોત ન થાય તો ગંભીર રીતે ઘાયલ થાય છે. ઉંદરના કિસ્સામાં આ જોખમ ઘટી જાય છે. ઉંદરનું વજન એટલું હોતું નથી કે એ સુરંગ પર પહોંચે તો વિસ્ફોટ થઇ જાય.