નવી દિલ્હીઃ ભારત અને ઈઝરાયલની દોસ્તી કોઈ નવી નથી, પરંતુ સમયની સાથે-સાથે આ મિત્રતા વધુ ગાઢ અને મજબૂત બની રહી છે. આ વાત ત્યારે સાબિત થઈ જ્યારે ઈઝરાયલમાં ચૂંટણીમાં વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ મતદાતાઓને આકર્ષિત કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તસવીરના બેનર દેશભરમાં લગાવ્યા હતા. હવે ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ નિમિત્તે બેન્જામીન નેતન્યાહૂએ મોદીને વિશ કર્યું છે. તેમણે એક ટ્વિટ કરી હતી જેમાં હિન્દી ફિલ્મ ‘શોલે’નું એક ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે...’ ની લાઇન લખી હતી અને સાથે લખ્યું છે કે હું ભગવાનથી વિનંતી કરું છે કે આપણી મિત્રતા નવી ઊંચાઈએ પહોંચે.
ઈઝરાયલના વડાના આ ટ્વિટ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે બન્ને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલમાં મિડટર્મ ચૂંટણી દરમિયાન વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ મતદાતાઓને આકર્ષિત કરવા માટે દેશભરમાં ભારતના નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની તસવીર વાળા બેનર લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલના વડા પ્રધાન ૯ સપ્ટેમ્બરના રોજ એક દિવસના પ્રવાસે ભારત આવશે. અહીં તેઓ મોદીને મળશે. આ પહેલા પણ નેતન્યાહૂએ મોદીને લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત માટે હિન્દીમાં ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી હતી.