ટોક્યો: તમે અપરાધ, કામ કે અન્ય ઘણી બાબતોમાં ભાગીદારીનો કોન્સેપ્ટ જોયો કે સાંભળ્યો હશે, પરંતુ ક્યારેય સાથે રડીને દુઃખ વહેંચવામાં ભાગીદારી વિશે સાંભળ્યું છે? જાપાન તેની ઘણી અનન્ય વસ્તુઓ માટે પ્રખ્યાત છે. ત્યાં ઓફિસની કાર્ય સંસ્કૃતિ રસપ્રદ નવીનતાઓને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં ત્યાં ઈકેમેસો દાંશી (હેન્ડસમ વીપીંગ બોય્ઝ) એટલે કે રડનારા દેખાવડા છોકરાઓ, કે જેઓ ઓફિસમાં તણાવનો સામનો કરતી યુવતીઓને પહેલાં રડાવે છે, પછી તેની સાથે પોતે પણ રડે છે. જ્યારે આ છોકરીઓનું મન હળવું થઈ જાય છે ત્યારે આ છોકરાઓ તેમને સાંત્વના આપીને ચૂપ કરાવે છે. છોકરીઓનો તણાવ દૂર કરવા માટે આ છોકરાઓ માત્ર તેમનાં જ આંસુ લૂછતા નથી, પણ તેમની ચંપી કરે છે, અને થોડો સમય વિતાવ્યા પછી અમુક અંશે એકલતા પણ દૂર કરે છે.
ઓફિસમાં છોકરીઓને રડાવવા માટે અલગ રૂમમાં લઈ જવામાં આવે છે. અહીં ભાવનાત્મક અને ઉદાસ ફિલ્મો બતાવે છે. તેમની નબળી બાબતો જેમ કે પાળતુ પ્રાણીઓને ઈજા કે તેના સંબંધો વિશે વાત થાય છે, જેથી તે રડવા લાગે છે અને ઘણી વખત તો જોર જોરથી રડતા આક્રંદ કરવા લાગે છે.
જાપાનમાં આ અનોખી સેવાને શરૂ કરનાર ઉદ્યોગપતિ હિરોકી તરાઈના મતે, આ કોન્સેપ્ટ રૂઈકાત્સુ એટલે કે આંસુ દ્વારા તણાવ ઘટાડવાના સિદ્ધાંત પર આધારિત છે. તેનો હેતુ ઓફિસમાં એવું વાતાવરણ ઊભું કરવું કે જ્યાં લોકો ભાવનાત્મક અભિવ્યક્તિ જાહેર કરી શકે અને લોકોનું સમર્થન મળી શકે. આથી તેમની નબળી બાજુ બહાર આવે છે અને પછી તેઓ ટીમવર્કમાં સારું પરફોર્મ કરે છે.
હિરોકી તરાઈ કહે છે કે અમે ઈચ્છીએ છીએ કે વર્કલોડ અને તણાવ સાથે સંઘર્ષ કરતા લોકો ખૂલીને રડી શકે અને દુ:ખને બહાર કાઢી નાખે, કારણ કે રડવું પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આથી તણાવ ઓછો થાય છે. તેથી જ વ્યાવસાયિક છોકરાઓની નિમણૂક કરાય છે. ઓફિસની બહાર પણ લોકો પૈસા ખર્ચીને નાણાં ચૂકવીને સેવા મેળવી રહ્યા છે. આ નોકરી માટે યુવાનોની માંગમાં વધારો થયો છે. કંપનીઓ પાર્ટટાઇમ અને ફુલટાઇમ બંને સેશન માટે આવા છોકરાઓની નિમણૂક કરી રહી છે.