વોશિંગ્ટનઃ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મુદ્દે કેનેડા તરફથી ભારત પર લગાવાયેલા આરોપો મુદ્દે અમેરિકન સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઇકલ રુબિને બાઈડેન સરકારના વલણની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ઓસામા બિન લાદેન જેમ માત્ર એન્જિનિયર નહોતો તેમ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર માત્ર પ્લમ્બર નહોતો. અમેરિકન સંરક્ષણ વિભાગના પૂર્વ અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટયુટના સિનિયર ફેલો માઈકલ રુબિને કહ્યું કે, આપણે પોતાને મુર્ખ બનાવવા જોઈએ નહીં. જે રીતે લાદેન માત્ર એન્જિનિયર નહોતો. એ જ રીતે હરદીપ સિંહ નિજ્જર માત્ર એક પ્લમ્બર નહોતો. તેના હાથ અનેક લોકોના લોહીથી ખરડાયેલા છે.
ભારત હાથી છે અને કેનેડા કીડી
તેમણે આગળ કહ્યું, જસ્ટિન ટ્રુડો તરફથી સંસદમાં ભારત પર જે આરોપ મૂકાયા તે ખતરનાક છે. અમેરિકાએ કેનેડા અને ભારતમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવશે તો તે નિશ્ચિતરૂપે ભારતની પસંદગી કરશે. કારણ કે ભારત હાથી છે અને કેનેડા કીડી છે. વધુમાં નિજ્જર એક આતંકી હતો. વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ અમેરિકા માટે ભારત કેનેડા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. માઇકલ રુબિને કહ્યું કે, વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન એમ કહેતા હોય કે અમેરિકા હંમેશા આંતરરાષ્ટ્રીય ઉત્પીડન વિરુદ્ધ ઊભું રહેશે તો આપણે હકીકતમાં પાખંડી છીએ. કારણ કે કેનેડાએ ભારત પર લગાવેલા આરોપો મુદ્દે આપણે જે વાત કરી રહ્યા છીએ તે દમન નથી?
નિજ્જર ધર્મગુરુ નહીં હત્યારો
ભારતીય ગુપ્તચર એજન્સીએ વર્ષ 2018માં એક ડોઝિયર કેનેડાને સોંપ્યું હતું, જેમાં જણાવાયું હતું કે નિજ્જ ધાર્મિક ગુરુ નહીં હત્યારો હતો. તેણે પાક.માં વિસ્ફોટની તાલીમ લીધી હતી. તે કેનેડામાં સંગઠનના લોકોને એકે-૪૭, સ્નાઈપર રાઈફલ અને પિસ્તોલ ચલાવવાનું શીખવાડયું હતું. એનઆઈએએ જુલાઈ 2022માં નિજ્જર પર રૂ. 10 લાખનું રોકડ ઈનામ જાહેર કર્યું હતું અને મોહાલીમાં આરોપનામું દાખલ કર્યું હતું.