નવી દિલ્હીઃ બે વર્ષ પહેલા ૨૬મી ફેબ્રુઆરીએ વહેલી સવારે ભારતે પાકિસ્તાન કબજાના કાશ્મીરમાં આવેલા આતંકી કેમ્પો પર હવાઈ પ્રહાર કર્યો હતો. બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો સફાયો કરાયો હતો.
બાલાકોટ એર સ્ટ્રાઈક નામે જાણીતા એ ઘટનાક્રમની ઘણી ખરી વિગતો ગુપ્ત રખાઈ હતી અને આજે પણ ગુપ્ત જ છે. જોકે તેમાંથી અમુક વિગતો હવે જાહેર થઈ છે. એ પ્રમાણે ભારતીય વાયુસેનાએ આતંકી માટે કોડવર્ડ વાંદરા રાખ્યું હતું. હુમલા વખતે આતંકી કેમ્પો પાસે જ મસ્જીદ હતી જેને નુકસાન ન થાય તેનું વાયુસેનાના પાઈલટોએ ધ્યાન રાખ્યું હતું.
હુમલાની સફળતા પછી વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર, સંરક્ષણ પ્રધાન તથા જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ના સચિવ એમ ત્રણેયને ફોન કરીને જાણ કરી હતી. એ વખતે તેમણે કોડવર્ડ વાપર્યો હતો. ‘ધ મન્કી હેઝ બિન કિલ્ડ’ એટલે કે જૈશના આતંકીઓ પર હુમલો સફળ રહ્યો છે. એ જાણકારી બાદ સુરક્ષા સલાહકાર દોવાલે વડાપ્રધાન સુધી પહોંચાડી હતી.