નવી દિલ્હી: મરિયમ વેબસ્ટરના શબ્દકોશ મુજબ આ વર્ષનો શબ્દ છે વેક્સિન. કંપની કહે છે કે ૨૦૨૦ના મુકાબલે આ શબ્દને ૬૦૧ ટકા વધારે શોધવામાં આવ્યો હતો. વેક્સિનને મરિયમ વેબસ્ટરે ૨૦૨૧ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. વર્તમાન સ્થિતિનું પ્રતિબિંબ પાડવાના હેતુથી અને તે વર્ષની સ્થિતિને એક શબ્દમાં દર્શાવવાના હેતુથી આ શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે.
મરિયમ વેબસ્ટરના એડિટરે જણાવ્યું હતું કે ૨૦૨૧માં આ શબ્દનો દૈનિક ધોરણે સૌથી વધુને વધુ ઉપયોગ થતો જોવા મળ્યો હતો. આ શબ્દ બે જુદી જુદી વાર્તાઓ રજૂ કરે છે. એક વિજ્ઞાનની વાર્તા છે જે બતાવે છે કે કેટલી ઝડપથી રસી વિક્સાવવામાં આવી. તેની સાથે નીતિ, રાજનીતિ અને રાજકારણના ઝુકાવ અંગે પણ ચર્ચા થઈ છે.
આ એક જ શબ્દ બે મહાન ગાથા રજૂ કરે છે. આ પહેલાં ઓક્સફર્ડ ડિક્શનરીએ વેક્સ શબ્દની પસંદગી કરી હતી. ગયા વર્ષે મરિયમ વેબસ્ટરે પેન્ડેમિક એટલે કે મહામારી કે રોગચાળા શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનમાં વિશ્વની પહેલી કોરોના રસી લાગી હતી. તેના પછી ન્યૂયોર્કમાં તે જ મહિનામાં રસીકરણનો પ્રારંભ થયો હતો.