કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ દેશની જનતાને 'મુસ્લિમ પ્રભાકરણ'ના માથુ ઉંચકવાને લઈને ચેતવણી આપી હતી અને સાથે જ તમામ સમૂદાયના લોકોને એકજૂથ રહેવા અપીલ કરી હતી. ઈસ્ટર સન્ડેએ થયેલા આત્મઘાતી હુમલામાં શ્રીલંકાના અનેક લોકો મૃત્યુ પામ્યા હતા તેને અનુસંધાને સિરીસેનાએ આ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ(એલટીટીઈ)નો પ્રમુખ પ્રભાકરણ શ્રીલંકામાં તમિલોના વિદ્રોહનો મુખ્ય ચહેરો રહ્યો હતો અને તેણે અલગ તમિલ રાષ્ટ્રની માગને લઈ અનેક વર્ષો સુધી ગેરિલા યુદ્ધ છેડયું હતું જેમાં ૧૦,૦૦૦થી પણ વધારે લોકોનો ભોગ લેવાયો હતો. ૨૦૦૯માં શ્રીલંકાની સેનાએ તેની હત્યા કરી હતી અને આંતર વિગ્રહનો અંત આવ્યો હતો.