હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ ઇવેન્ટની સફળતા પર ટોચના નેતાઓથી માંડીને વૈશ્વિક અખબારી માધ્યમો પ્રશંસાના ફૂલડાં વરસાવી રહ્યા છે. પ્રમુખ ટ્રમ્પના કેબિનેટ પ્રધાન રહી ચૂકેલાં નિક્કી હેલીએ ટ્વિટ કર્યું કે, અમેરિકા અને ભારત વચ્ચે મજબૂત મિત્રતા છે, ‘હાઉડી મોદી’થી ટ્રમ્પ અને મોદી વચ્ચે દોસ્તી વધુ મજબૂત થઈ છે. સાંસદ પીટ ઓલ્સને લખ્યું હતુંઃ હાઉડી મોદી શોમાં આજે શું ભીડ હતી! આ જબરદસ્ત રેલીનો હિસ્સો બનીને હું મારી જાતને નસીબદાર ગણું છું.
• બીબીસીઃ અમેરિકામાં કોઇ વિદેશી નેતાનું આ સૌથી શાનદાર રિસેપ્શનમાંનું એક હતું. ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મંચના આયોજનને ઐતિહાસિક ગણાવ્યું છે. ૯૦ મિનિટના શોમાં ૪૦૦ લોકોએ મોદી અને ટ્રમ્પની સામે કાર્યક્રમ રજૂ કર્યો હતો.
• ન્યૂ યોર્ક ટાઈમ્સઃ આ રેલીએ સમાન વિચારધારા ધરાવતા નેતાઓને એક મંચ પર લાવી દીધા છે. દક્ષિણપંથી વિચારધારાના આ બન્ને નેતાઓ અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓ સાથે સત્તામાં આવ્યાં છે. બન્નેએ પોતાના દેશને મહાન અને ધાર્મિક ગણાવીને આર્થિક, સામાજિક સુધારાઓની વાત કરી છે. મોદીની રેલીમાં ટ્રમ્પે પોતાના બીજી મુદતનો રાગ આલાપ્યો છે, પરંતુ દોસ્તીના સૂરમાં.
• ગાર્ડિયનઃ ૫૦ હજાર કરતાં પણ વધારે લોકોનો મહેરામણ ‘મોદી મોદી’ના નારા લગાવી રહ્યો હતો. તેમણે (મોદી)એ આ ઉત્સાહિત કરી દેનાર ભીડની સામે પ્રમુખ ટ્રમ્પને પોતાના અને ભારતના સૌથી સારા મિત્ર ગણાવ્યા અને મેક અમેરિકા ગ્રેટ અમેરિકાના સૂત્રનો પુનરોચ્ચાર કર્યો હતો.
• વોશિંગ્ટન પોસ્ટઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અહંકારને કારણે અમેરિકાને ઘણું નુકશાન થઈ રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પ પોતાનો ઈગો છોડીને આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ટ્રમ્પની વિદેશ નીતિના મામલે અમેરિકામાં ભારે તણાવ છે. તેમણે નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કર્યું તે સારી બાબત છે. આ આયોજન થકી ભારતીય વડા પ્રધાને બન્ને દેશોની વચ્ચે વેપાર મામલે વધી રહેલા તણાવને ઘટાડવા પ્રયાસ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના અહંકારને તુષ્ટ કરવા વિદેશી નેતાઓની એક રણનીતિ રહી છે. ટ્રમ્પે મોદીનું વધારે પડતા ઉત્સાહ-ઉમળકા સાથે સ્વાગત કર્યું, અમેરિકી પ્રમુખ સામાન્ય રીતે આવું કરતા નથી.
• સીએનએનઃ હજારો લોકોની રેલીમાં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે એકબીજાની ભરપૂર પ્રશંસા કરી. વડા પ્રધાન મોદી તેમનું ચૂંટણી સૂત્ર ‘અબ કી બાર મોદી સરકાર’ની જેમ ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ પણ બોલ્યા હતા. દુનિયાભરના મીડિયાએ ‘હાઉડી મોદી’ રેલીના અહેવાલ પ્રકાશિત કર્યા છે. અમેરિકાના દિગ્ગજ નેતાઓ પણ ‘હાઉડી મોદી’ના વખાણ કરવા લાગ્યાં છે.