બાર્બુડાઃ હરિકેને ‘હાર્વે’એ અમેરિકાને ધમરોળ્યું હતું તો વિનાશક હરિકેન ‘ઇરમા’એ કેરેબિયન ટાપુઓનમાં કાળો કેર વર્તાવ્યો છે. ચક્રવાત દરમિયાન કલાકદીઠ ૧૮૫ માઇલ (અંદાજે ૩૦૦ કિ.મી.)ની તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો. ચક્રવાત કેટલો ભયંકર હતો એ વાતનો અંદાજ તેના પરથી મળે છે કે તેના સપાટામાં આવેલા બાર્બુડા, સેન્ટ માર્ટિન સહિતના કેટલાક ટાપુ સદંતર નાશ પામ્યા છે. આ ઉપરાંત કરોડો ડોલરની માલમિલક્તને નુકસાન પહોંચ્યું છે. સત્તાવાર અહેવાલોમાં મૃત્યુ આંક ૧૦ અને કેટલાક લોકો ઘાયલ થયાનું જણાવાયું છે. જોકે ચક્રવાતની વિનાશકતા જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. વાવાઝોડાની અસર ફ્લોરિડાના અનેક ભાગોમાં અનુભવાઇ હતી. પેનિન્સુલાથી બોનિટા બીચ સુધી તેનો ઝંઝાવાત રહ્યો હતો. ફ્લોરિડા કીઝ, લેક ઓકીચોબી અને ફ્લોરિડામાં વાવાઝોડાથી સાવધ રહેવાનું એલર્ટ અપાયું છે. કેરેબિયન ટાપુને ધમરોળ્યા બાદ ચક્રવાતે અમેરિકાના ફ્લોરિડા બાજુ ગતિ પકડતાં નાગરિકો અને વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. અલબત્ત, તેની તીવ્રતા ઘટી હોવાનો અહેવાલ રાહતજનક છે.
સ્થાનિક સત્તાધિશોના જણાવ્યા પ્રમાણે ‘ઇરમા’ ચક્રવાતમાં બાર્બુડા ટાપુ સદંતર નષ્ટ થઈ ગયો છે. તેની તમામ ઇમારતોને નુકસાન થયું છે. ટાપુ પર વસતાં ૧૪૦૦માંથી આશરે ૮૫૦ લોકો ઘરવિહોણાં બન્યા છે. માર્ગ અને સંદેશવ્યવહાર સિસ્ટમ્સ ખોરવાઇ ગઇ છે અને તેના પુનઃસ્થાપનમાં મહિનાઓ લાગશે તેમ એન્ટિગા અને બાર્બુડાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને જણાવ્યું હતું. નજીકના એક ટાપુ અંગુઇલ્લામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ફ્લોરિડાના દરિયાકિનારે ઈરમા પહોંચશે તો ત્રણેક કરોડ લોકો તેની અસરમાં આવી જશે.
વાવાઝોડાની અસરથી બચવા માટે હજારો લોકોને સલામત સ્થળોએ ખસી જવાની સુચના અપાઇ છે. હાલમાં આ વાવાઝોડાની તીવ્રતા ઘટીને કેટેગરી પાંચની થઇ ગઇ છે, પરંતુ હજુ પણ તે અત્યંત ખતરનાક છે તેમ નેશનલ હરિકેન સેન્ટરનું કહેવું છે. એક આગાહી મુજબ ‘ઇરમા’ની અસર સોમવાર સવાર સુધી રહેશે, ત્યાં સુધીમાં તે જ્યોર્જિયા અને સાઉથ કેરોલિના સુધી પહોંચી જશે.
‘ઇરમા’ને કારણે ભારે પવનની સાથે સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો. પરિણામે પ્યુઅર્ટો રિકો અને વર્જિન આઇસલેન્ડ્સમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. પ્યૂર્ટો રિકોના મુખ્ય ટાપુઓ સેન્ટ માર્ટિન, અંગુઇલ્લા અને બાર્બુડા પર તેની ખતરનાક અસર પડી હતી અને તે ખેદાનમેદાન થઇ ગયાં છે. હજારો વૃક્ષો ઉખડી પડ્યાં છે અને અનેક ઇમારતોને ભારે નુકસાન થયું છે.
સેન્ટ માર્ટિન ટાપુ સંપૂર્ણ નાશ પામ્યો
‘ઇરમા’ને કારણે કેરેબિયન સેન્ટ માર્ટિન ટાપુનો ૯૫ ટકા હિસ્સો નાશ પામ્યો છે. એક લાખ લોકોની વસતી ધરાવતા આ ટાપુમાં મોટા ભાગના લોકો માંદા પડી ગયા હોવાથી અહીં તાકીદે મદદની જરૂર છે. ટાપુના તમામ માર્ગો તૂટી ગયા છે. તમામ ઇમારતો તહસ-નહસ થઇ ગઇ હોવાથી લોકોને ક્યાં આશરો આપવો તેની પણ સમસ્યા છે. સેન્ટ માર્ટિનમાં છ વ્યક્તિના મૃત્યુ થયાના અહેવાલ છે. ‘ઇરમા’ની સૌથી વધુ અસર આ નાનકડા ટાપુ પર થઇ છે. આ ટાપુને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ હાલમાં કાઢવો અત્યંત મુશ્કેલ છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોને જણાવ્યું હતું કે આ ટાપુ નેધરલેન્ડ્સ અને ફ્રાન્સની સંયુક્ત માલિકીનો છે.