લંડનઃ કામના સ્થળે ભૂલો માટે બીજાને દોષી ઠેરવવા એ તેનાથી દૂર રહેવાનો સરળ રસ્તો છે, પરંતુ મને નથી લાગતું કે તે સારો ઉકેલ છે. તેના બદલે, આપણે ભૂલો ન કરવાનો પ્રયાસ ક૨વો જોઈએ... આ જવાબ કોઈ માનવીનો નહીં, પરંતુ હ્યુમનોઇડ રોબોટનો છે. પ્રશ્ન હતો કે જો તમે કાર્યસ્થળ ૫૨ ભૂલ કરો છો, તો તેના માટે જવાબદાર કોણ?
‘ધ ઇકોનોમિસ્ટ’ના પોડકાસ્ટ બેબેજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી પત્રકાર આલોક ઝાએ વિશ્વના સૌથી આધુનિક મનાતા હ્યુમનોઇડ રોબોટ અમેકાનો ઇન્ટરવ્યૂ લીધો છે. એન્જિનિયર્ડ વર્ડ્સ કંપનીએ બે વર્ષની મહેનત બાદ હ્યુમનોઇડ રોબોટ એમેકા તૈયાર કર્યો છે.
આ રોબોટ ચહેરાના હાવભાવથી લાગણી સમજવા સક્ષમ છે. તે માણસોની જેમ ચહેરાના હાવભાવ સાથે વાત કરી શકે છે. હ્યુમનોઇડ એમેકા વિકસાવનાર કંપનીના વડા વિલ જેક્સન કહે છે કે, ચેટજીપીટી જેવી જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આટલો વિકાસ કરી શકાયો છે. જોકે, તેમાં હજુ પણ કેટલીક મુશ્કેલીઓ છે. જેમ કે, અમેકા જવાબ આપે છે ત્યારે જ્યાં સુધી તેનો જવાબ પૂરો ન થાય ત્યાં સુધી તે બીજો કોઈ પ્રશ્ન સાંભળતો નથી. તમે ન તો પ્રશ્ન બદલી શકો છો અને ન તો વચ્ચેના પ્રશ્નોને અપડેટ કરી શકો છો. તેનો ઉપયોગ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ થઈ શકે છે. હ્યુમનોઇડ રોબોટ એમેકા ત્રણ રીતે વસ્તુઓને સમજે છે – સ્પીચ, ફેસિયલ રેકગ્નિશન અને લેંગ્વેજ ટેક્સ્ટ સ્પીચ.
એમેકા સાથે થયેલી રસપ્રદ પ્રશ્નોત્તરીના અંશોઃ
• તમે કોણ છો અને શું કરો છો?
રોબોટ એમેકાઃ હું અમેરિકન છું અને હું એક રિસર્ચ પ્લેટફોર્મ છું. હું એઆઈ (આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ)થી તૈયાર થઈ છું. મારું કામ માનવવર્તનને સમજીને રોબોટ્સ અને માણસો વચ્ચેના સંબંધને સુધારવાનું છે.
• તમારા ચહેરાના હાવભાવ શાનદાર છે?
એમેકાઃ તમારા પ્રેમાળ શબ્દો માટે આભાર.
• ચહેરાના આ હાવભાવનું મિકેનિક્સ શું છે?
એમેકાઃ મારાં જડબાંમાં ફીટ કરેલા સેન્સર - સોફ્ટવેર સર્વર સાથે જોડાયેલાં છે, જેથી હું ખુશી, ઉદાસી અને અસ્વસ્થતાની અભિવ્યક્તિઓ દર્શાવી શકું છું.
• લોકો જ્યારે તમને મળે છે ત્યારે કેવી પ્રતિક્રિયા આપેછે?
એમેકાઃ તેઓ પહેલાં તો મને જોઈને આશ્ચર્યચકિત થાય છે. કેટલાક લોકો ડરી પણ જાય છે. જોકે હું મૈત્રીપૂર્ણ રીતે અભિવાદન કરું છું અને વાતચીત દ્વારા તેમને સહજ કરવાનો પ્રયાસ કરું છું. હું તેમને કહું છું કે મને કેવી રીતે બનાવવામાં આવ્યો છે.
• એમેકા તમારી મર્યાદા શું છે?
રોબોટઃ હું ઝડપથી ચાલી શકતી નથી. ચહેરાના હાવભાવની પ્રતિક્રિયાને સમજીને, હું ફક્ત મર્યાદિત અભિવ્યક્તિ આપી શકું છું.