’૭૧ના યુદ્ધમાં પાક. સેનાએ નષ્ટ કરેલું કાલી મંદિર ૫૦ વર્ષે ખૂલ્યું

Saturday 25th December 2021 05:31 EST
 
 

ઢાકાઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૭ ડિસેમ્બરે ઢાકામાં ઐતિહાસિક શ્રી રમના કાલી મંદિરનું લોકાર્પણ કર્યું છે. ૫૦ વર્ષ અગાઉ ૧૯૭૧ના યુદ્ધ વેળા પાકિસ્તાની સેનાએ આ મંદિરમાં ઘુસીને ત્યાં હાજર લોકોને મારી નાંખ્યા હતા અને મંદિરનો નાશ કરી નાખ્યો હતો. આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિએ આ મંદિરને ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણનું પ્રતીક માનવામાં આવે છે. બાંગ્લાદેશની સ્વતંત્રતાનાં ૫૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ એમ. અબ્દુલ હામિદના આમંત્રણને માન આપી ત્રણ દિવસના પ્રવાસે બાંગ્લાદેશ પહોંચ્યા હતા. મંદિરના ઉદઘાટન સમયે રાષ્ટ્રપતિ સાથે તેમનાં પત્ની સવિતા કોવિંદ પણ ઉપસ્થિત હતાં.
વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાનની સેનાએ બાંગ્લા સ્વતંત્રતા આંદોલનને દબાવવા માટે ઓપરેશન સર્ચલાઈટ ચલાવવામાં આવ્યું હતું. એ સમયે મંદિરમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને એમાં રહેતા લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આ પ્રસંગને બન્ને દેશ માટે ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી. મંદિરના પુનઃ નિર્માણમાં ભારત સરકારે પણ મદદ કરી છે.
‘મારા માટે માતાના આશીર્વાદ’
મંદિરના ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું હતું કે આજે મને ઐતિહાસિક રમના કાલી મંદિરનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. હું એને માતા કાલીના આશીર્વાદ તરીકે જોઉં છું. મને જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર તથા લોકોએ આ મંદિરના પુનઃ નિર્માણમાં સહયોગ આપ્યો છે. ભારતના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ મંદિર ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બંધનનું પ્રતીક છે. તે મારી બાંગ્લાદેશ યાત્રાના શુભ સમાપનનું પ્રતીક છે. ઉલ્લેખનીય છે કે ૫૦ વર્ષ અગાઉ વર્ષ ૧૯૭૧ના યુદ્ધ વેળા પાકિસ્તાની સેનાએ આ મંદિરનો નાશ કર્યો હતો.
૧૦ ટકા હિંદુ વસ્તી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશ સ્વતંત્રતાનાં ૫૦ વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે આયોજિત સમારંભમાં ભાગ લેવા માટે ત્રણ દિવસના રાજકીય પ્રવાસે ઢાકા પહોંચ્યા હતા. અહીં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને વિદેશમંત્રી એ. કે. અબ્દુલ મોમેને પણ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ૧૦ ટકા હિંદુ વસતિ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter