પૂર્વીય ચીનનાં તટીય ઝેઝિઆંગ પ્રાંતમાં માઈગ્રન્ટ કારીગરોથી ભરેલી ચાર બહુમાળી રહેવાસી ઈમારતો સોમવારે તૂટી પડતાં ઓછામાં ઓછા ૧૭ જણાં માર્યા ગયા હતા. બેનઝોઉના લુચેંગ ઈન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટમાં છ માળની ઈમારતો તૂટી પડી હતી અને બચાવકર્તાઓ કાટમાળ હેઠળ ફસાયેલા લોકોની સંખ્યા ચકાસી રહ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૭ જણાના મોતને પુષ્ટિ અપાઈ છે.
• વેનેઝુએલામાં ભૂખમરાથી કેદીઓનાં મોતઃ વેનેઝુએલાની જેલમાં ભૂખમરા અને દવાઓની અછતથી મરતાં કેદીઓની તસવીરો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી. વેનેઝુએલામાં સર્જાયેલી આર્થિક કટોકટીના કારણે સામાન્ય લોકોને પણ ભોજનની મુશ્કેલી સર્જાઈ રહી છે. બીજી તરફ કેદીઓ ભોજનના અભાવે જેલની પાસે ઊભા રહીને લોકો પાસે ખોરાક માટે ભીખ માગતા રહે છે.
• યમનમાં હવાઈ હુમલામાં ૧૪૦નાં મોતઃ યમનમાં એક જનાજામાં એકત્રિત લોકસમૂહ પર નવમીએ હવાઈ હુમલો કરાતાં ૧૪૦થી વધુનાં મોત થયા હતા અને ૫૨૫થી વધુને ઈજા પહોંચી હતી. આ હુમલો સાઉદ અરબના નેતૃત્વવાળા જોડાણે કર્યાનું કહેવાય છે. જોકે જોડાણે હુમલાની જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે. આ ઘટનાની વિશ્વભરમાં આલોચના થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રે આ બનાવની તપાસના આદેશ આપ્યા છે.
• અફઘાનમાં કાર બોમ્બ વિસ્ફોટમાં ૨૦નાં મોતઃ અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં આવેલા લાશ્કરગાહ સિટીમાં પોલીસ ચેકપોઇન્ટ નજીક એક કારમાં થયેલા પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં ૨૦ વ્યક્તિનાં મોત નીપજ્યા હતાં જ્યારે અન્ય કેટલાકને ઇજા પહોંચી હતી. આ વિસ્ફોટ તાલિબાનોએ કર્યો હતો. તેઓ આ શહેર પર અંકુશ મેળવવા માગતા હોવાથી પોલીસ અને અન્ય સુરક્ષાદળોને ટાર્ગેટ બનાવીને વિસ્ફોટ કરી રહ્યા છે એવું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં બે ડઝનથી વધુ લોકોને ઈજા પહોંચી છે.
• વીએચપી નેતાએ બુરખો પહેરીને મહિલાની છેડતી કરીઃ વિશ્વ હિન્દુ પરિષદના અલ્હાબાદના જિલ્લા સચિવ અભિષેક યાદવે આઠમીએ રાત્રે બુરખો પહેરીને મહોરમની મજલિસમાં ઘૂસણખોરી કરી હતી અને ત્યાં હાજર મહિલાઓની છેડછાડ કરી હતી. એવી ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. મહિલાઓએ ફરિયાદમાં કહ્યું છે કે, અભિષેકે મહિલાઓની છેડતી કરી એ પછી ત્યાં હાજર લોકોએ તેને ઝડપી લીધો હતો અને તેને મારવામાં આવ્યો હતો. અભિષેક યાદવ ભાજપ જિલ્લા સભ્ય શિપ્રા યાદવના પતિ છે.
• માતેલા સાંઢ જેવી ટ્રકે સાતને કચડી નાંખ્યાઃ સિવનીના બંજારી ઘાટીસ્થિત એનએચ-૭ ઉપર આવેલાં દેવીજીનાં મંદિરમાંથી નીકળી રહેલા જવારા સરઘસમાં સોમવારે એક બેકાબૂ ટ્રક ઘૂસી ગઈ હતી. આ બનાવમાં સાત લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જ્યારે ૨૦ લોકો ઘવાયા હતા જેમાંના ૭ લોકો ગંભીર રીતે ઘાયલ છે. શ્રદ્ધાળુઓને કચડી નાંખનારા ટ્રકની ગતિ એટલી પૂરપાટ હતી કે ત્રણ લોકો તેમાં ફસાઈને અડધો કિમી. સુધી ઢસડાયા હતા. એક મોટા પથ્થર સાથે અથડાયા બાદ ટ્રક ઊભી રહી હતી. ઘટનાની ગંભીરતા જોઈને ડ્રાઇવર નાસી છૂટ્યો હતો.
• શ્રીનગરમાં કિશોરનું પેલેટગનથી મોત થતાં દેખાવોઃ શ્રીનગરના સઇદપોરામાં સાતમીએ દેખાવો કરી રહેલા ટોળાને વિખેરવા ભારતીય સુરક્ષાદળોએ પેલેટગન અને ટિયરગેસનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં ઘાયલ ૧૩ વર્ષીય જુનૈદ અહેમદનું સાતમીએ મોડી રાતે મોત થતાં શ્રીનગરમાં બીજે દિવસે તોફાનો ફાટી નીકળ્યાં હતાં. જુનૈદના જનાજામાં સુરક્ષાદળો અને દેખાવકારો વચ્ચે અથડામણો ફાટી નીકળતાં શ્રીનગરના સાત પોલીસસ્ટેશન વિસ્તારોમાં સંચારબંધી લાદી હતી.