દેશમાં સુધારા માટે લેવામાં આવેલા લોકમતમાં પરાજય થતાં ઇટાલીના વડા પ્રધાન સર્જિઓ રેન્ઝીએ પદ પરથી રાજીનામું આપી દેતાં વિદેશ પ્રધાન પાઉલો જેન્ટિલોને દેશના વડા પ્રધાન જાહેર કરાયા છે. ૬૨ વર્ષના પાઉલો રાજવી કૂળ સાથે સંબંધ ધરાવે છે. આગામી વર્ષે ચૂંટણી આવી રહી હોવાથી પાઉલોની વરણીને સલામત મનાઈ રહી છે. તેઓ રેન્ઝીના નિકટના સાથી રહી ચૂક્યા છે.
• ઇસ્તાંબૂલમાં સોકર સ્ટેડિયમની બહાર વિસ્ફોટમાં ૩૮નાં મૃત્યુઃ ઇસ્તાંબૂલનાં સ્ટેડિયમ નજીક ૧૦મી ડિસેમ્બરે થયેલા બે વિસ્ફોટમાં ૩૮ લોકોનો ભોગ લેવાયો છે અને ૧૬૬ લોકો ઘાયલ થયા છે. ખાસ કરીને પોલીસ અને સુરક્ષાદળોને નિશાન બનાવીને થયેલા વિસ્ફોટના કારણે ભારે તારાજી સર્જાઈ છે. વોડાફોન એરેના ફૂટબોલ સ્ટેડિયમમાં સુપર લીગ મેચ પૂરી થયાની ગણતરીની જ પળોમાં સ્ટેડિયમ નજીક આત્મઘાતી કારબોમ્બનો વિસ્ફોટ થયો હતો. સત્તાવાળાને શંકા છે કે કુર્દીશ બળવાખોરોએ આત્મઘાતી હુમલા કર્યા હતા. ધડાકાઓમાં ૨૭ પોલીસકર્મીઓ અને બે નાગરિકો માર્યા ગયા હતા. ૧૦ શકમંદોની અટકાયત કરાઈ છે.
• નાઈજિરિયાનાં ચર્ચની છત તૂટી પડતાં ૧૬૦નાં મૃત્યુઃ દક્ષિણ નાઇજિરિયામાં એક ચર્ચની છત તૂટી પડતાં ચર્ચમાં પ્રાર્થના માટે હાજર ૧૬૦ જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં. છત પર લાગેલા લોખડનાં ગડર છત નીચે ઊભેલા લોકો પર પડ્યા તેથી લોકોનાં મૃત્યુ થયા.
• નૈરોબીમાં તેલનું ટેન્કર ટકરતાં ૩૦નાં મૃત્યુઃ કેન્યાના નૈવાશાનગર બહાર હાઇવે પર બે તેલ ટેન્કર ટકરાતાં તાજેતરમાં ૩૩થી વધુ લોકો માર્યા ગયા હતા. બે તેલ ટેન્કર ટકરાયા પછી લાગેલી આગે ૧૧ વાહનોને લપેટમાં લીધાં હતાં.
• આકુફો ત્રીજીવાર પણ ઘાનાના રાષ્ટ્રપતિઃ આફ્રિકી દેશ ઘાનામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી બે વાર હારી ગયા પછી આખરે નાના આકુફો-આડો ત્રીજીવારમાં ચૂંટણી જીતી જ ગયા છે. રાષ્ટ્રપતિપદ માટે સાતમીએ મતદાન યોજાયું હતું અને ૬૮.૬૨ ટકા મતદારોએ મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ જોન મહામાને ૪૪.૪૦ ટકા અને નાના આકુફોને ૫૩.૮૫ ટકા મત મળ્યા છે.