• પાક.માં આઠ વર્ષથી ગેરકાયદે રહેતાં બે અમદાવાદીની ધરપકડ (સંક્ષિપ્ત સમાચાર)

Wednesday 05th April 2017 08:33 EDT
 

પાકિસ્તાનના વસ્તી ગણતરી અધિકારીઓએ ગેરકાયદે પાકિસ્તાનમાં રહેતા બે અમદાવાદીઓની ગુલાન એ ઈકબાલમાંથી પહેલી એપ્રિલે ધરપકડ કરી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, હસન અહેમદ અને વસીમ હસન નામના બે જણા ગુજરાતના શહેર અમદાવાદના રહેવાસી છે. તેઓ પાક.માં કોઈપણ જાતના દસ્તાવેજી પુરાવા વગર રહે છે.
બે NRI બ્રિટિશર્સે એર ઇન્ડિયાની એરહોસ્ટેસની છેડતી કરીઃ બે ભારતીય બ્રિટિશ નાગરિકોની એર ઇન્ડિયાની એર હોસ્ટેસની છેડતીનાં આરોપમાં ધરપકડ કરાઈ છે. ડીસીપી એરપોર્ટ અનુસાર આરોપીઓની ઓળખ જસપાલ સિંહ (૩૫) અને ચરણદીપ કૈરા (૩૬) તરીકે થઈ છે.
વીરભદ્રસિંહનું ફાર્મહાઉસ ઈડીએ ટાંચમાં લીધુંઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા સોમવારે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન વીરભદ્રસિંહનું એક ફાર્મહાઉસ જપ્ત કર્યું છે. સૂત્રોના મતે તેની કિંમત રૂ. ૨૭ કરોડ હોવાનું મનાય છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઈડી દ્વારા આ કામગીરી કરાઈ છે.
ભારતે ચીનના દબાણ સામે માથું ઊંચક્યું, દલાઇ લામા તવાંગઃ ચીન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામા દસ દિવસની અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે. ચીને લામા ભારત આવશે તો સંબંધો બગડશેની ચીમકી આપી હતી છતાં ભારતે જરાય નમતું જોખ્યું નથી અને દલાઇ લામાએ તવાંગમાં ધાર્મિક ઉપદેશ આપ્યો હતો.
અજમેર બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞાને ક્લિનચિટઃ વર્ષ ૨૦૦૭માં અજમેર દરગાહ પર થયેલ બોમ્બ વિસ્ફોટના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દ્વારા સાધ્વી પ્રજ્ઞા અને આરએસએસ કાર્યકર ઇન્દ્રેશકુમારને ક્લિનચિટ આપી છે. આ કેસની તપાસ સાથે સંકળાયેલા એનઆઈએના ક્લોઝર રિપોર્ટમાં કહેવાયું છે કે આ બંને સામે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, આ સંજોગોમાં તેમની સામેની તપાસ આગળ વધારી શકાય નહીં.
બે હેન્ડ ગ્રેનેડ સાથે સેનાનો જવાન ઝડપાયોઃ શ્રીનગર એર પોર્ટ ઉપર સેનાના એક જવાનને બે હેન્ડ ગ્રેનેડ સાથે ઝડપી લેવાયો છે. ભૂપલ મુખિયા નામનો આ જવાન ૧૭મી જે એન્ડ કે રાઈફલ્સનો હતો. તે દાર્જિલિંગનો વતની છે અને એલઓસી પાસે ઉરી સેક્ટરમાં ફરજ ઉપર હાજર હતો. એર પોર્ટ ઉપર પકડાયો ત્યારે તે ગ્રેનેડ લઈને દિલ્હી જઈ રહ્યો હતો. હાલમાં પોલીસે તેને પકડીને તપાસના આદેશ આપ્યા છે.
‘મહાગઠબંધનથી ૨૦૧૯માં ભાજપનો સફાયો કરીશું’: બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધન કરવા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં બિહારની જેમ મહાગઠબંધન નહોતું જેને પગલે ભાજપની જીત થઇ હતી, ઉત્તર પ્રદેશમાંથી બોધપાઠ લઇને વિપક્ષે એક થઇ રાષ્ટ્રીય સ્તરે એક મહાગઠબંધનની રચના કરવાનો સમય આવી ગયો છે. ‘મહાગઠબંધન’ રચીને ૨૦૧૯માં ભાજપનો મહાસફાયો કરીશું.
• રૂ. ચાર લાખની બનાવટી નોટો ઝડપાઈઃ બાંગ્લાદેશ સરહદેથી ઘુસાડવામાં આવેલી રૂ. ૨૦૦૦ની ૨૦૦ બનાવટી નોટો પ. બંગાળમાંથી ત્રીજી એપ્રિલે ઝડપાઇ છે. બીએસએફ દ્વારા આ નોટો ઝડપી લેવામાં આવી હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા આ આંતરરાષ્ટ્રીય સરહદે બે જુદા જુદા સ્થળેથી આ બનાવટી નોટો ઝડપી લીધી હતી.
• દેશમાં આઇઆઇએમએ સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટઃ કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલયે સોમવારે દેશની ટોચની ૧૦૦ શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓનું રેન્કિંગ જાહેર કર્યું હતું. આ યાદીમાં સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં અમદાવાદ સ્થિત આઇઆઇએમ ટોચના સ્થાને રહી છે. આશ્ચર્ય વચ્ચે વિવાદિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) શ્રેષ્ટ યુનિવર્સિટીઓમાં બીજા ક્રમે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter