રશિયાએ પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીર (પીઓકે)માં અંકુશ રેખાની અંદર ભારતે હાથ ધરેલી ‘સર્જિકલ સ્ટ્રાઇક્સ’ને સમર્થન આપ્યું છે. તેણે કહ્યું છે કે દરેક દેશને તેના બચાવનો અધિકાર છે. આમ, ભારતને આ મામલે ખુલ્લું સમર્થન કરનાર રશિયા યુએન સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી)નો પહેલો દેશ છે.
• અબુધાબીના પ્રિન્સ પ્રજાસત્તાક દિને અતિથિઃ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહંમદ બિન ઝાયેદ અલ નહયાને આગામી વર્ષે ભારતના પ્રજાસત્તાક દિન સમારંભમાં મુખ્ય અતિથિપદે હાજર રહેવાનું આમંત્રણ રવિવારે સ્વીકારતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો ટ્વીટર પર આભાર માનતાં લખ્યું કે, ક્રાઉન પ્રિન્સની મુલાકાતને પગલે દ્વિપક્ષીય સંબંધોને વેગ મળશે. પ્રિન્સે પણ ટ્વિટનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, આપની પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સાથે રહેવાનો આનંદ આવશે. તમારો મિત્રતાસભર દેશ પ્રગતિ અને સમૃદ્ધિ હાંસલ કરે તેવી શુભકામના.
• જાપાનના યોશિનોરીને મેડિસિનનો નોબેલ પુરસ્કારઃ જાપાનના જૈવ વિજ્ઞાની યોશિનોરી ઓસુમી (૭૧)ને ચાલુ વર્ષનો મેડિકલ ક્ષેત્રનો નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરાઈ છે. વર્તમાનમાં તે ટોક્યો ઇન્સિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રોફેસર છે. જાપાનને આ ૨૫મો તથા સતત ત્રીજા વર્ષે નોબેલ પારિતોષિક મળ્યો છે.
• ચીને ભારત પર દબાણ લાવવા બ્રહ્મપુત્રનાં જળ રોક્યાંઃ ઉરી આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાન પર દબાણ બનાવી રહ્યું છે. જે અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સમજૂતીનો પણ રિવન્યૂ કર્યો હતો. ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદીનું પાણી રોક્યું છે. ચીન અહીંયા અત્યંત ખર્ચાય એક હાઇડ્રો પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ પ્રોજેક્ટના એડમિનિસ્ટ્રેશન બ્યૂરોના હેડ ઝાંગ યુનબાઓને ટાંકીને દાવો કર્યો છે. પાકિસ્તાને ધમકી આપી હતી કે, તેઓ ચીનને કહીને બ્રહ્મપુત્રા નદીનું પાણી અટકાવી દેશે.
• સિંધુ જળસંધિ મામલે પાક. વિશ્વબેંકની શરણેઃ ભારત ૫૬ વર્ષ જૂની સિંધુ જળસંધિ રદ કરી નાંખશે તેવી ભીતિથી ફફડી ગયેલો પાકિસ્તાન ૨૭મી સપ્ટેમ્બરે વિશ્વબેંકનાં શરણમાં પહોંચી ગયો હતો. વિશ્વબેંક સિંધુ જળસંધિમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. પાકિસ્તાનના એટર્ની જનરલ અશતર ઔસફઅલીનાં નેતૃત્વમાં પાકિસ્તાની સરકારનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન ખાતે વિશ્વબેંકના મુખ્ય મથકમાં જળસંધિ અંગે ચર્ચા કરવા પહોંચ્યું હતું. પાકિસ્તાને તાજેતરમાં જ વિશ્વબેંકને સંધિના આર્ટિકલ ૯માં ભારતને અપાયેલા અધિકાર મુદ્દે મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી.
• બાંગ્લાદેશમાં દુર્ગામાતાની મૂર્તિઓ તોડતાં લોકો નારાજઃ દુર્ગાપૂજા પૂર્વે જ બાંગ્લાદેશમાં કેટલાક અજ્ઞાત શખ્સોએ દુર્ગામાતાની મૂર્તિઓ ખંડિત કરતા હિન્દુ સમુદાયની લાગણી દુભાઈ છે. આ ઘટના ઢાકાથી ૧૭૦ કિમી દૂર હબીગંજ જિલ્લાની ફુતરમતી ગામમાં ૨૬મીની રાત્રે બની હતી. પોલીસે જણાવ્યું અનુસાર શિલ્પકાર સાથે કોઈ મામલે કેટલાક લોકોએ ઝપાઝપી કરી હતી અને બાદમાં આ ઘટના બની હતી. આ મામલે બે જણાની ધરપકડ કરવામાં આવી છે. જોકે કોઈ કેસ દાખલ કરાયો નથી.
• સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે કેજરીવાલની મોદીને સલામઃ દિલ્હીના મુખ્ય પર અરવિંદ કેજરીવાલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકીઓના લોન્ચ પેડ અને કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે પીએમ સાથે ભલે ૧૦૦ મુદ્દાઓ પર મતભેદ હોઈ શકે પરંતુ તેમણે સર્જિકલ સ્ટ્રાઈક અંગે જે ઈચ્છાશક્તિ દર્શાવી તેના માટે હું તેમને સલામ કરું છું. અગાઉ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મામલે મોદીને બિરદાવ્યા હતા.
• કટારા કેસમાં વિકાસ-વિશાલ યાદવને ૨૫ વર્ષ કેદઃ બિઝનેસ એક્ઝિક્યુટિવ નીતિશ કટારા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે ગુનેગાર વિકાસ યાદવ અને તેના પિત્રાઈ ભાઈ વિશાલ યાદવને ૩જીએ ૨૫ વર્ષની કેદની સજા ફટકારી છે.
• બિહારમાં પુનઃ દારૂબંધીઃ બિહાર સરકારે દારૂબંધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પટણા હાઇ કોર્ટે દારૂબંધી કાયદો રદ કરવાના બીજા રવિવારે રાજ્ય સરકારે નવો અને કડક કાયદો લાગુ કર્યો છે. નીતિશકુમારે કેબિનેટની વિશેષ બેઠક પછી આ જાહેરાત કરી હતી. નવા કાયદા પ્રમાણે દારૂ ખરીદવા કે વેચવા જેવા ગુના બદલ કડક જોગવાઈ છે. ત્રણ માસની સજા વધારીને ત્રણ વર્ષ કરાઈ છે.
• યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણનો નવો 'સ્વરાજ ઈન્ડિયા' પક્ષઃ આમ આદમી પાર્ટીમાંથી હાંકી કઢાયેલા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે બીજી ઓક્ટોબરે નવા રાજકીય પક્ષ 'સ્વરાજ ઈન્ડિયા'ની સ્થાપના કરી હતી અને દિલ્હીની સ્થાનિક ચૂંટણીમાં તેઓ ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરી હતી.