મખમલ જેવા સુંવાળા અને મધ જેવો મીઠા અવાજનો સમન્વય ધરાવતા લિજેન્ડ્રી ગાયક પંકજ ઉધાસના લાઇવ ઇન કોન્સર્ટનું શાનદાર આયોજન આગામી તા. ૧૮,૧૯ અને ૨૦ ૨૧ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવ્યું છે. દિલમાંથી નીકળતો સૂરમયી અવાજ અને ગીતોની તેમની પસંદગીએ સમગ્ર પેઢીને સંગીતને માણવાની પ્રેરણા આપી છે. કદરદાન રસિકજનોએ તેમના અવાજમાં ગીતો અને ગઝલોને વધાવી લીધાં છે. આજે પણ આ સૂરીલો અવાજ તેમના હૃદય સાથે આજીવન અંકિત થઈ ગયો છે.
આજની તારીખે પણ ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગીત સાંભળતા આપણી આંખમાંથી અશ્રુધારા વહે છે તો, ‘ચાંદી જૈસા રંગ’ ગીતથી ચહેરા પર રમતિયાળ અને રંગીન સ્મિત પણ છવાઈ જાય છે. પંકજ ઉધાસના કોન્સર્ટમાં દરેક વ્યક્તિ માટે કશુંક અલગ મળે જ છે. ભગ્ન નિરાશા, સ્મરણોમાં ખોવાયેલું મૌન, આશાનો ઉલ્લાસ, ઉન્મત્તતા કે રંગીન શમણાનો છેલછબીલો શૃંગાર- દરેક વ્યક્તિ પંકજ ઉધાસના ગીતો સાથે પોતાની સંવેદનાઓનું તાદાત્મ્ય અનુભવી શકે છે. તેઓ લાગણીઓની વ્યાપકતા અને અને કાવ્યની સુંદરતાના સપ્રમાણ સમન્વયથી અલૌકિક અનુભવનું સર્જન કરે છે.
વિખ્યાત ગાયક પંકજ ઉધાસ યુકેના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના ક્લાસિક સંગ્રહમાંથી ચૂંટેલાં ગીતો અને ગઝલોનો ગુલદસ્તા તેમ જ તાજી લહેરખી જેવી મધુર સ્વરરચનાઓ આપણા સૌના હૃદયને અવશ્ય જીતી લેશે. આ સપ્ટેમ્બર મહિનામાં ઉત્કટ સંસ્મરણો અને નવીનતા, કાવ્યમયતા અને પ્રબળ સંવેદના, રોમાંચ અને લાગણીઓનો ઘૂઘવાટ- આ તમામ અને તેથી પણ વધુ અનુભૂતિના સાક્ષી બનવાની તક ચુકશો નહિ.
૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૫ ઈન્ડિગો ખાતે Oટુ, લંડન
૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૫ ડી મોન્ટફર્ટ હોલ, લેસ્ટર
૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૫ Oટુ એપોલો, માન્ચેસ્ટર
આ કોન્સર્ટ પ્રવાસનું આયોજન શ્રી શૈલેશ પટેલ અને શ્રી વિજય ભોલાના સૌજન્ય સાથે પરફેક્ટ હાર્મની પ્રોડકશન્સ અને રોક ઓન મ્યુઝિક દ્વારા કરાયું છે. વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન નં. ૯.