કાઠમંડુ (નેપાળ)ઃ દક્ષિણ એશિયન દેશોના વડાઓ વધુ એક વખત ‘સાર્ક’ના નેજામાં મળ્યા, અનેકવિધ મુદ્દે ચર્ચાવિચારણા કરી અને વધુ એક વખત કોઇ નક્કર, પ્રગતિકારક, વિકાસલક્ષી નિર્ણય કર્યા વગર જ છૂટા પડ્યા. આ છે નેપાળની રાજધાની કાઠમંડુમાં યોજાયેલી ૧૮મી ‘સાર્ક’ સમિટની ફળશ્રુતિ.
એકબીજા સાથે સરહદથી જોડાયેલા આઠ દેશો - અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદિવ્સ, પાકિસ્તાન અને શ્રીલંકાના બનેલા સાઉથ એશિયન એસોશિએશન ફોર રિજનલ કોઓપરેશન (‘સાર્ક’)ને સંબોધતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હમ પાસ-પાસ હૈ, સાથ-સાથ નહીં હૈ. સંગઠનની રચના થયાને આજે લગભગ ત્રણ દસકા થવા આવ્યા હોવા છતાં સભ્ય દેશો કોઇ નક્કર વિકાસ હાંસલ કરી શક્યા નથી તે વાતનું પ્રતિબિંબ આ એક વાક્યમાં ઝળકતું હતું.
વડા પ્રધાને કહ્યું કે જો આપણે સાથે મળીએ તો આપણી તાકાતમાં અનેકગણો વધારો થઇ શકે એમ છે. નરેન્દ્ર મોદી પહેલાં ભારતના કોઇ વડા પ્રધાને આટલી સ્પષ્ટ ભાષામાં કડવું સત્ય સ્વીકાર્યું નથી. તેમણે રાજકીય દુશ્મનાવટ અને શંકા-કુશંકાના વમળમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ સૂચવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણે પ્રદેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાછળ છે. ભારત સહિત દક્ષિણ એશિયાના લગભગ બધા જ દેશો ઊર્જાની ખાદ અનુભવે છે. વિજ્ઞાન, ટેક્નોલોજી અને વેપાર-ઉદ્યોગના વિકાસ માટે સૂચન કરતાં તેમણે કહ્યું હતું કે એક પંજાબમાંથી બીજા પંજાબમાં માલ મોકલવો હોય તો થર્ડ પાર્ટી શિપમેન્ટ કરવં પડે છે. નિકાસકાર અને આયાતકાર વચ્ચે વાસ્તવમાં જેટલું ભૌગોલિક અંતર છે એનાં કરતાં ૧૧ ગણું વધુ અંતર કાપીને એક પંજાબથી બીજા પંજાબ સુધી માલ જાય છે અને એમાં ચાર ગણો ખર્ચ વધુ થાય છે. જો વ્યાપારી સમજૂતી કરવામાં આવે તો વેચનારને વધુ નફો મળે અને વપરાશકર્તાને માલ સસ્તો મળે. તેમણે બીજી વાત એ કરી હતી કે વિશ્વવ્યાપારમાં ‘સાર્ક’ દેશોના આપસી વ્યાપારનો હિસ્સો પાંચ ટકા કરતાં પણ ઓછો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરસ્પર વિવાદોને દક્ષિણ એશિયન દેશોના વિકાસ અને પ્રગતિ માટે અવરોધરૂપ ગણાવતા કહ્યું હતું કે આ દીવાલ તોડવી પડશે. ‘સાર્ક’ શિખર સંમેલનમાં ૨૬ નવેમ્બરે મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદી ગતિવિધિઓમાં તેની મદદની આકરી ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ જ દિવસે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની છઠ્ઠી વરસી પણ હતી. તેમણે જણાવ્યું હતું કે, મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ભારતને અપાર પીડા છે. તમામ દેશોએ એકસંપ થઈને આતંકવાદનો મુકાબલો કરવાની જરૂર છે. લગભગ અડધા કલાકના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, એક સારા પડોશી હોવા તરીકે આપણે એકબીજાનાં સુખ-દુઃખમાં સહારો બનવો જોઈએ. દરેક દેશ ચાહે છે કે તેને સારો પડોશી મળે.
મોદીએ આતંકવાદ અને આંતરદેશીય ગુનાઓને અટકાવવા માટે નક્કર પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ સંમેલનમાં મોટા ભાગના નેતાઓ દ્વારા આતંકવાદ અને આંતરદેશીય ગુનાઓને મોટો પડકાર ગણાવાયો હતો. મોદીએ દર્દીઓ અને તેમની સાથે આવનારા સહાયકો માટે વિઝાપ્રક્રિયા સરળ બનાવવા ભારત તરફથી પહેલની જાહેરાત કરી, આવાં લોકોને તાત્કાલિક વિઝા અપાશે. તેમણે જણાવ્યું કે, ભારત ‘સાર્ક’ દેશો માટે ૩-૫ વર્ષનો બિઝનેસ વિઝા આપશે.
પાકિસ્તાનની આડોડાઇ
જોકે આપસી સહકારની નરેન્દ્ર મોદીની આ ટકોર છતાં ભારતે રજૂ કરેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન અને ઊર્જાને લગતી ત્રણ નક્કર દરખાસ્તો પાકિસ્તાને આગળ વધવા દીધી નહોતી. અલબત્ત, મોદીએ રજૂ કરેલી ચોખ્ખી વાત અને નક્કર દરખાસ્તને અન્ય દેશોએ બિરદાવી હતી. ભારતની ઉદારતાની અને વ્યાવહારિક્તાની પાકિસ્તાન સિવાયના તમામ દેશોએ કદર કરી હતી. રાજદ્વારી વિશ્લેષકોનું માનવું છે કે પાકિસ્તાન ભલે હવે કંઇ પણ કરે, ભારતે સહયોગની ભૂમિકામાંથી હટવું જોઇએ નહીં.
પાકિસ્તાને ભારત દ્વારા લાવવામાં આવેલા ત્રણ મહત્ત્વના પ્રસ્તાવનો વિરોધ કરતાં તે ઘોંચમાં પડી ગયા છે. આ ત્રણેય સમજૂતીઓ પર કોઈ સહમતી સધાઈ શકી નહોતી. આ પ્રસ્તાવોમાં મોટર વ્હીકલ એક્ટનો સમાવેશ થાય છે. પાકિસ્તાને જણાવ્યું કે, તેમણે આ મામલે પોતાની આંતરિક પ્રક્રિયા પૂર્ણ કરી નથી માટે તેઓ આ સમજૂતી પર હસ્તાક્ષર કરી શકે તેમ નથી, જોકે ભારત અને શ્રીલંકા બંનેએ આ પ્રસ્તાવોની જોરદાર વકીલાત કરી હતી.
મોદી-શરીફ મુલાકાત
‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના નવાઝ શરીફે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામસામે બેસીને જમ્યા પણ ખરા. રિટ્રીટ કાર્યક્રમ માટે તમામ દેશના નેતાઓ સવારે ધુલીખેલ રિસોર્ટ પહોંચ્યા હતા. મોદીએ અહીં વડનો છોડ રોપ્યો હતો.
‘સાર્ક’ સંમેલનના અંતિમ દિવસે રિટ્રીટનું આયોજન કરવાની પરંપરા છે, જેનો ઉદ્દેશ્ય વણઉકેલ્યા મુદ્દા પર ચર્ચાનો અવસર ઊભો કરવાનો છે. પ્રથમ દિવસે ભારત દ્વારા રજૂ થયેલા પ્રસ્તાવોને પાકિસ્તાને નકારી કાઢતાં કોઈ સમજૂતી થઈ શકી નહોતી, જેનાં પરિણામે ૧૮મું ‘સાર્ક’ શિખર સંમેલન લગભગ નિષ્ફળ માનવામાં આવી રહ્યું હતું, જોકે ‘સાર્ક’ના સમાપન સમારોહમાં તમામ ‘સાર્ક’ દેશોએ ઊર્જા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. વીજળી ક્ષેત્રે જોડાણ અંગેની આ સમજૂતી થયા બાદ હવે ‘સાર્ક’ દેશો વીજળી ક્ષેત્રે વ્યાપાર કરી શકશે.
સમજૂતી બાદ, ૩૬ મુદ્દાનું ઘોષણાપત્ર જાહેર થયું હતું. બીજીતરફ રેલવે અને રોડ મુદ્દે ‘સાર્ક’ રિજિનલ એગ્રિમેન્ટ ઓન રેલવે તથા ‘સાર્ક’ મોટર વ્હિકલ એગ્રિમેન્ટ ફોર ધ રેગ્યુલેશન ઓફ પેસેન્જર એન્ડ કાર્ગો વ્હીક્યુલર ટ્રાફિક જેવા મહત્ત્વના બે કરાર સફળ થયા નહીં. હવે ૨૦૧૬માં ‘સાર્ક’ સંમેલન પાકિસ્તાનમાં યોજાશે, જેમાં મોદી ભાગ લે તેવી સંભાવના છે.
શરીફની બોલતી બંધ
મોદીએ ‘સાર્ક’ સભ્યોને આતંકવાદ વિરુદ્ધ ભેગા મળીને લડવાની પ્રતિજ્ઞા કરવા હાકલ કરી હતી. બીજી તરફ, મોદીની પહેલાં પોતાનું ભાષણ આપવા માટે ઊભા થયેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે આતંકવાદ વિશે એક હરફ પણ ઉચ્ચાર્યો નહોતો. તેમણે ફક્ત એટલું જ જણાવ્યું હતું કે, અંદરો-અંદર લડવાની જગ્યાએ ગરીબી અને નિરક્ષરતા સામે લડવાની જરૂર છે.
પણ પ્રયાસ નિષ્ફળ ગયો
પાકિસ્તાને ભારતીય સરહદ પર નાપાક હરકતો કર્યા પછી ‘સાર્ક’ શિખર સંમેલનમાં પણ પોત પ્રકાશ્યું હતું. પાકિસ્તાનની આડોડાઈને કારણે ‘સાર્ક’માં ત્રણ મહત્વના ઠરાવમાં પ્રગતિ થઈ શકી નથી. બીજી તરફ, ભારતે પણ ‘સાર્ક’માં નિરીક્ષક તરીકે જોડાયેલા ચીનને કાયમી સભ્ય બનાવવાના પાકિસ્તાનના પ્રયાસ નિષ્ફળ બનાવીને એક પ્રકારે બદલો લઈ લીધો છે. નવાઝ શરીફે તેમના ભાષણમાં ચીનને ‘સાર્ક’માં સામેલ કરવાની અપીલ કરી હતી. શરીફે કહ્યું કે ઓબ્ઝર્વરની સક્રિય ભૂમિકા ભજવી રહેલા ચીનને કાયમી સભ્ય બનાવાશે તો ‘સાર્ક’ દેશોને તેનો લાભ થશે.
...અને સંબોધન પછી
‘સાર્ક’ સંમેલનમાં પાકિસ્તાનનાં અક્કડ વલણ સામે ભારતે પણ પોતાનો મિજાજ બતાવ્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ પોતાનું પ્રવચન પૂરું કરીને નરેન્દ્ર મોદી સામેથી પસાર થતાં પોતાની બેઠક તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ત્રાંસી નજરે મોદીને જોઈ રહ્યા હતા પરંતુ મોદીએ તેમને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દીધા અને તેમની સામે જોયું સુદ્ધાં નહીં. બંને વડા પ્રધાન એકબીજાથી બે બેઠક છોડીને બેઠા હતા. મોદીએ પોતાનાં ભાષણમાં સંકેત આપ્યો કે, ભારત આતંકવાદ અંગે ટાળવાનું વલણ જરા પણ સાંખી નહીં લે. આ સાથે જ ભારતે પાકિસ્તાન સાથે વાતચીતની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
મિયાં પડ્યા તો ય...
‘સાર્ક’ સંમેલનના છેલ્લા દિવસે કાઠમંડુમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવ્યા બાદ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફે ઇસ્લામાબાદ પરત ફરતાં નિવેદન આપ્યું હતું કે, હાથ મિલાવીને નરેન્દ્ર મોદીએ સાબિત કરી આપ્યું છે કે, બંને દેશો વચ્ચે અટકેલી વાતચીત ફરી શરૂ કરવા માટે પાકિસ્તાનનું વલણ સાચું હતું. શરીફે કહ્યું કે, મોદીનાં વર્તનમાં આવેલાં પરિવર્તનથી એ વાત સાબિત થાય છે કે, વાતચીતને ફરી શરૂ કરવા અંગેનો પાકિસ્તાનનો દૃષ્ટિકોણ સાચો હતો. શરીફના મતે, પાકિસ્તાન ભારત સાથે મર્યાદા અને આત્મસન્માનના સંબંધો ઇચ્છે છે. પાકિસ્તાન ઇચ્છે છે કે, કાશ્મીર સહિત તમામ મુદ્દે અર્થપૂર્ણ વાતચીત થાય. ભારતે કારણ વિના બંને દેશો વચ્ચેની વિદેશસચિવ સ્તરની વાતચીત રદ કરી નાખી હતી.
મોદી પાકિસ્તાન જશે
કાઠમંડુમાં યોજાયેલી ૧૮મી ‘સાર્ક’ સમિટનું ૨૭ નવેમ્બરે સમાપન થયું. આ સમાપન બાદ જાહેર કરાયું કે ૨૦૧૬માં આગામી ‘સાર્ક’ સંમેલન પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં યોજાશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને એક નિવેદનમાં જણાવ્યું કે, ૨૦૧૬ના ‘સાર્ક’ સંમેલન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન જશે.
મોદીએ સુરક્ષાચક્ર તોડ્યું
‘સાર્ક’ સંમેલનનું કવરેજ કરવા આવેલા પાકિસ્તાની પત્રકારોને મળવા નરેન્દ્ર મોદી સુરક્ષાચક્ર તોડીને પહોંચી ગયા હતા. અહીં તેમણે પત્રકારો સાથે હાથ મિલાવવા સાથે તેમના ક્ષેમકુશળ પૂછયા હતા. કેટલાક પત્રકારોએ તેમને એમ પણ પૂછયું હતું કે, તેઓ પાકિસ્તાન ક્યારે આવી રહ્યા છે? આ સમયે મોદી કોઇ જવાબ આપ્યા વગર હળવું સ્મિત કરીને આગળ વધી ગયા હતા.
પાડોશી સાથે સંબંધ પ્રાથમિકતા
‘સાર્ક’ સમિટમાં ભાગ લેવા માટે નેપાળની રાજધાની ૨૫ નવેમ્બરે રાત્રે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક પૂર્વે કહ્યું હતું કે પાડોશી દેશો સાથે સંબંધો વધુ વિકસે તે તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. મોદીના સત્તાવાર કાર્યક્રમમાં તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને મળશે તેવો કોઇ ઉલ્લેખ નહોતો. બાદમાં બન્ને ઔપચારિક મુલાકાત થઇ હતી. આ ઉપરાંત મોદી અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દા રાજાપક્ષે સહિતના નેતાઓને મળ્યા હતા.
નેપાળ સાથે કરાર
નેપાળ સાથે ભારતે કુલ નવ જેટલા કરાર પણ કર્યા છે. બસ સર્વીસ શરૂ કરવા સાથે નેપાળમાં એક ટ્રોમા સેન્ટર પણ ભારતે બંધાવ્યું છે. તે ઉપરાંત પાડોશી દેશને એક હેલિકોપ્ટરની ભેટ પણ આપવામાં આવી છે. મોદીએ અગાઉ દિલ્હીથી રવાના થતી વખતે કહ્યું હતું કે ‘પાડોશી દેશો સાથે સંબંધ વધુ વિકસાવવાની મારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.’
ચલણી નોટ પરનો પ્રતિબંધ દૂર
નેપાળની મુલાકાત વખતે ભારતીય રિઝર્વ બેન્કની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટ લઈ જવા પરનો એક દાયકા જૂનો પ્રતિબંધ ભારત અને નેપાળે ૨૫ નવેમ્બરે ઉઠાવી લીધો હતો. પ્રવાસીઓ મહત્તમ ૨૫,૦૦૦ રૂપિયાની આવી ચલણી નોટો પોતાની સાથે લઈ જઈ શકશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬ નવેમ્બરે આ જાહેરાત કાઠમાંડુમાં કરી હતી. ઉચ્ચ મૂલ્યની બનાવટી ચલણી નોટોનું ચલણ વધવાના ભયે આવું ચલણ વાપરવામાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.