બેન્કીંગ હવાલા કૌભાંડ તરીકે જાણીતા થયેલા વેપાર આધારીત મની લોન્ડરીંગ કૌભાંડની ઝીણવટભરી તપાસ દરમિયાન ભારતની સેન્ટ્રલ બ્યુરો અોફ ઇન્વેસ્ટીગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ(ET)ને ઘણી જ ચોંકાવનારી માહિતી સાંપડી છે. તપાસ દરમિયાન જણાયું હતું કે બેન્ક અોફ બરોડા ખુદ કૌભાંડનો ભોગ બની છે, જો કે બેન્કને કોઇ નોંધપાત્ર આર્થિક નુકશાન થયું નથી.
આ કૌભાંડની શરૂઆત ગત મે માસમાં થઇ હતી એમ માનવામાં આવે છે અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ સાથે સંકળાયેલા કેટલાક લોકોેએ તેમના ગેરકાયદેસરના નાણાં વિદેશમાં મોકલવા માટે અોછી આવક ધરાવતા નાગરીકોનો ઉપયોગ કર્યો હતો. આક્ષેપ કરાય છે કે વેપારીઅો ગુરચરણ સિંઘ, ચંદન ભાટીયા, સંજય અગ્રવાલ અને અન્ય ઘણાં લોકો હોંગકોંગ અને દુબાઇ નાણાં મોકલવા માટે જવાબદાર હતા. એવો આક્ષેપ કરાય છે કે બેન્ક અોફ બરોડાની દિલ્હી સ્થિત અશોક વિહાર શખાના અધિકારીઅો એસ.કે. ગર્ગ (આસીસ્ટન્ટ જનરલ મેનેજર) અને જૈનીશ દુબે (હેડ અોફ ફોરેન એક્સચેન્જ ડિવિઝન)ની પણ તેમાં સંડોવણી હતી જેમની પાછળથી સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આક્ષેપ મુજબ કૌભાંડીઅો દ્વારા ડ્રાઇવર અને ફેરીયા જેવા લોકો પાસેથી દર મહિને દસથી પંદર હજાર રુપિયામાં તેમના વોટર્સ આઇડી વગેરે માંગવામાં આવતા હતા. આ આઇડીના આધારે હવાલાબાજ લોકો દ્વારા નકલી કંપનીઅો ખોલીને કરંટ બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવતા હતા. તપાસ અધિકારીએ ફોડ પાડતા જણાવ્યું હતું કે "આ કંપનીઅો, ડાયરેક્ટર્સ અને ભાગીદારો મોટાભાગના કેસોમાં સમાન હતા અને તે કંપનીઅો ખોટા સરનામા પર નોંધવામાં આવી હતી. એક વખત બેન્ક એકાઉન્ટ ખોલાઇ જાય પછી સંડોવાયેલા એક્સપોર્ટ ઇમ્પોર્ટર દ્વારા ખોલવામાં આવેલી ડમી કંપનીઅો દ્વારા નાણાં ટ્રાન્સફર કરાતા હતા. અોગસ્ટ ૨૦૧૪થી ૨૦૧૫ દરમિયાન ૫૯ એકાઉન્ટ્સમાં કુલ ૬,૧૭૨ કરોડ રૂપિયા ફોરેક્ષ રેમિટન્સ અને અન્ય બેન્કો થકી જમા કરાવાયા હતા. શકમંદો દ્વારા આ ટ્રાન્સફર માટે અન્ય લોકોનું જુથ પણ ઉભુ કરાયું હતું. બેન્ક અોફ બરોડા દ્વારા કરવામાં આવેલા આંતરીક અોડીટ દરમિયાન અસામાન્ય ટ્રાન્જેક્શન નજરે પડતા તપાસ શરૂ કરી સંપૂર્ણ માહિતી બહાર પાડવામાં આવી હતી.
૧૯૫૭માં યુકેમાં શાખા શરૂ કરનાર બેન્ક અોફ બરોડા યુકેમાં વસતા ડાયસ્પોરામાં સૌથી લોકપ્રિય બેન્ક છે. વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર બેન્ક અોફ બરોડાની વૈશ્વિક વિશ્વનીયતા અંગે 'ગુજરાત સમાચાર'ને આ અંગે વિશેષ માહિતી આપતાં બેન્ક અોફ બરોડાના યુરોપિયન અોપરેશન્સના ચિફ એક્ઝીક્યુટિવ શ્રી ધિમંતભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે "અમારી બેન્ક અોફ બરોડાની નવી દિલ્હી સ્થિત અશોક વિહાર શાખામાં ખોલાયેલા ચાલુ ખાતાઅોમાંથી મે ૨૦૧૪થી જૂન ૨૦૧૫ દરમિયાન મોટી રકમનું ફોરેન એક્સચેન્જ રેમીટન્સ ટ્રાન્સફર કરાયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મે ૨૦૧૪થી અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન આયાત અને અન્ય બાબતો માટે એડવાન્સ રેમિટન્સના નામે અલગ અલગ બેન્ક ખાતાઅો દ્વારા મોટેભાગે હોંગકોંગ સ્થિત વિવિધ લોકોને ફોરેન એક્સચેન્જ રેમીટન્સ મોકલવામાં આવ્યું હતું.”
"સંડોવાયેલ કુલ રકમ પૈકી ૯૦% રકમ અન્ય બેન્કો દ્વારા RTGS / NEFT થકી બેન્કને મળ્યા હતા. જે એકાઉન્ટમાં મોટી રકમની રોકડ રકમ ભરાઇ હતી, નિયમીતપણે રોકડ વ્યવહાર (CTRs) કરાયા હતા અને આ અંગે ફાઇનાન્સીયલ ઇન્ટેલીજન્સ યુનિટને પણ જાણ કરાઇ હતી. આ અંગેની જાણ બેન્કને જુલાઇ ૨૦૧૫ના મધ્યમાં થતા બેન્ક દ્વારા આંતરિક તપાસ કરવામાં આવી હતી. જેનો અહેવાલ ૩૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ રીજીયોનલ અોફિસના સ્તરે કરાયો હતો અને આ બાબતની કોર્પોરેટ આોફિસને પણ જાણ કરાઇ હતી, જેણે બેન્કના ઇન્ટર્નલ અોડિટ વિભાગને તપાસ કરવા આદેશ આપ્યા હતા અને તેનો રીપોર્ટ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ આવી ગયો હતો.”
તેમને જણાવ્યું હતું કે "આ અંગે સેન્ટ્રલ બ્યુરો અોફ ઇન્વેસ્ટીગેશન અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટને તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ જાણકારી આપવામાં આવી હતી અને મિનિસ્ટ્રી અોફ ફાઇનાન્સ અને રિઝર્વ બેન્ક અોફ ઇન્ડિયાને પણ જાણ કરાઇ હતી. આના કારણે બેન્કને કોઇ પણ નોંધપાત્ર આર્થિક નુકશાન થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બેન્ક અોફ બરોડા દ્વારા આંતરિક તપાસ કરીને શંકાસ્પદ વ્યવહારોને બહાર લાવવામાં આવ્યા છે અને બેન્ક ખુદ કૌભાંડનો ભોગ બની છે, બેન્કની કૌભાંડમાં જરા પણ સામેલગીરી નથી. અમે એ પણ ચોખવટ કરવા માંગીએ છીએ કે ભારતની અશોક વિહાર શાખા સાથે જે વ્યવહાર થયા તેનાથી બેન્કના યુકેના અોપરેશન્સને જરા પણ અસર થઇ નથી અને યુકે અોપરેશન્સ પણ યુકેના સ્થાનિક રેગ્યુલેટર્સ દ્વારા નિયંત્રીત થાય છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના મહારાજા સર સયાજી રાવ ગાયકવાડ (તૃતિય) દ્વારા ગુજરાતના પ્રિન્સલી રાજ્ય વડોદરામાં છેક ૧૯૦૮માં બેન્ક અોફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી. ૨૦૧૪ના આંકડા મુજબ ફોર્બસ ગ્લોબલ ૨૦૦૦માં તેનો ક્રમ ૮૦૧મો છે અને બેન્કની કુલ અસ્ક્યામતો £૩૫ બિલીયન જેટલી છે અને ભારત સહિત વિદેશમાં કુલ ૫,૩૦૭ શાખાઅો આવેલી છે.