'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ બપોરે સંગત સેન્ટર, હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અને મેદસ્વીતા સામે જાગૃતી લાવવા વિશેષ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ મલ્હોત્રા અને ઝી ટીવીના 'આઉટ એન્ડ અબાઉટ' કાર્યક્રમના પ્રોડ્યુસર અને જાણીતા જર્નાલીસ્ટ ધૃવ ગઢવીએ અનુક્રમે મેદસ્વીતાને પગલે થઇ રહેલા વિવિધ રોગો અને તકલીફો તેમજ ડાયાબિટીશ અંગે સ્લાઇડ શોના નિદર્શન સાથે ખૂબ જ મહત્વની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં મૌન પાળીને દિવંગત રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.
ડાયાબિટીશ અંગે લોકોમાં વ્યાપેલા ડરને જડમૂળથી કાઢી ફેંકવા મનનીય પ્રવચન આપતાં શ્રી ધૃવ ગઢવીએ જણાવ્યું હતું કે 'હું કોઇ ડોક્ટર, ડાયેટીશીયન કે ન્યુટ્રીશનીસ્ટ નથી, હું તો આપ સૌની જેમ ડાયાબિટીશનો દર્દી છું. મને મારા રોજબરોજના જીવનમાં તાણ અને જીવનપધ્ધતિમાં મુશ્કેલી જણાતા ડાયાબિટીશ હોવાની જાણ અચાનક જ થઇ હતી. 'આપણું આરોગ્ય આપણા હાથ'માં કહેવત મુજબ મેં મારી જાતે જ સ્વીડન, અમેરિકા અને સાઉથ આફ્રિકાના નિષ્ણાંત તબીબોના લેખો, સમાચાર વગેરેનો અભ્યાસ કર્યો હતો અને તેનો ટૂંકસાર હતો કે ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સનો અોછો ઉપયોગ કરો અને 'ઉંચી ચરબી ધરાવતો ખોરાક લો'. તાજેતરમાં સરકાર અને તબીબી સંસ્થાનોએ યુટર્ન લઇને જાહેર કર્યુ છે કે સેચ્યુરેટેડ ફેટને કાર્ડીયોવાસ્ક્યુલર રોગો કે કોરોનરી હાર્ડી ડીસીઝ સાથે કાંઇ સંબંધ નથી. આપણા વડિલો ઘી દુધ ભરપુર માત્રામાં ખાતા હતા. તકલીફ છે કાર્બોહાયડે્ટ્સની એટલે કે ઘઉં, ચોખા અને અન્ય ધાન્યની. વર્ષો પહેલા આપણે ધાન્ય નહિં પણ માંસ અને ફળ વધારે ખાતા હતા. પણ હવે આપણે રીફાઇન્ડ અને પ્રોસેસ્ડ કરેલા ધાન્યની બનાવટો ખાઇએ છીએ.'
ધૃવ ગઢવીએ જણાવ્યું હતું કે 'રીફાઇન્ડ કરેલા કાર્બોહાઇડ્રેટ્સ અને લો ડાયેટ ખોરાકે વિશ્વમાં ભારે તકલીફ કરી છે. જેના કારણે ડાયાબિટીશના દર્દીઅો વધી રહ્યા છે. એગ્રીકલ્ચર, સુગર અને ફાર્માસ્યુટીકલ લોબી દ્વારા પોતાના હીતની જાળવણી માટે અઢળક ફંડ સંશોધન સંસ્થાઅોને આપવામાં આવે છે અને તેઅો આ લોબીને માફક આવે તેવા સંશોધનો જાહેર કરે છે. મારી કોઇ પણ જાતના મેડિકલ દાવાઅો સિવાયની સલાહ એ છે કે આપણે GPS એટલે કે ગ્રેઇન (ધાન્ય), પોટેટો (બટાટા)અને સુગર (ખાંડ)નો ત્યાગ કરવો જોઇએ અને ઘી, માખણ અને નારિયેળના તેલનો વપરાશ વધારવો જોઇએ.'
શ્રી ધૃવે તજજ્ઞોને ટાંકતા જણાવ્યું હતું કે હાઇ બ્લડ સુગર લેવલ એ ડાયાબિટીશનું લક્ષણ છે રોગનું નહિં. ખરેખરો રાક્ષસ તો છે ઇન્સ્યુલીની પ્રતિકારક શક્તિ. આપણે જ્યારે કાર્બોહાઇડ્રેટ્સ ખાવાનું અોછું કરીએ છીએ ત્યારે આપણું શરીર ચરબીને ઉર્જા તરીકે વાપરે છે અને માટે જ આજે પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકો ઉપવાસને મહત્વ આપતા થયા છે.'
આવા સંજોગોમાં ખાવુંશું? તેવા પ્રશ્નનો જવાબ આપતા ધૃવ ગઢવીએ જણાવ્યું હતું કે 'તમે પનીર, ચીઝ, દહીં અને ખૂબ જ લીલા શાકાભાજી ખાઇ શકો છો. તમે દરેક જાતના રાંધેલા શાક ખાઇ શકો છો, માત્ર ધાન્ય ખાવાનું નથી. હું તબીબી નિષ્ણાંત નથી પણ એટલી ખાતરી આપું છું કે તમે જો 'GPS'નો વપરાશ બંધ કરશો તો તમારું બ્લડ સુગર જ પરિણામ બતાવશે. તમારા ડાયાબિટીશનો જવાબ તમારા હાથમાં નહિં પણ તમારી થાળીમાં છે. નોબેલ વિજેતા લેખર આર્થર કોર્નબર્ગે સાચે જ કહ્યું છે ને કે 'આપણે જે જાણીએ છીએ તેમાનું અડધું ખોટું છે અને હવે વિજ્ઞાને નક્કી કરવાનું છે કે તે કયો અડધો ભાગ ખોટો છે.'
જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ મલ્હોત્રાએ ધૃવ ગઢવીના વક્તવ્યને વધાવતા જણાવ્યું હતું કે 'આપણા માટે સૌથી મોટો હાનીકારક પદાર્થ જો કોઇ હોય તો તે ખાંડ છે. ખાંડ ખાવાથી શરીરને કોઇ જ લાભ થતો નથી અને શરીરને જ્યારે ખાંડ જોઇએ છે ત્યારે તે પોતાની મેળે વિવિધ ખાદ્યસામગ્રીમાંથી મેળવી લે છે. પરંતુ મોટો નફો કરતા કેટાલક અૌદ્યોગીક ગૃહો પોતાનો નફો વધારવા માટે આપણા અરોગ્યને હાની પહોંચતી હોવા છતાં ખોટી રીતરસમો અજમાવે છે. આજે યુકેની વસતીના ૬૦%થી વધારે લોકો કાં તો વધુ વજન ધરાવે છે અથવા તો મેદસ્વી છે. દર ત્રણ બાળકોમાંથી એક બાળક મેદસ્વી છે. આપણે જો કશું જ નહિં કરીએ તો આગામી ૨૦૫૦માં યુકેની વસતીના ૯૦% લોકો મેદસ્વી થઇ જશે.'
ડો. અસીમ મલહોત્રાએ જણાવ્યું હતું કે આજે NHS દ્વારા ટાઇપ ટુ ડાયાબિટીશ માટે £૨૦ બિલિયનની રકમ વાપરામાં આવે છે. જે ૨૦૩૫માં ડબલ થઇ જશે. હાઇલી રીફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતું જંક ફૂડ આ માટે જવાબદાર છે. આજે જે ખોરાક બજારમાં મળે છે તે મેદસ્વી થવા માટે જવાબદાર અને પૂરતો છે. આજે આરોગ્ય અને મેદસ્વીપણાની જે તકલીફો વધી છે તેના માટે ખૂબજ સસ્તા ભાવે મળતું ગળપણ અને એનર્જી ધરાવતું ભોજન અને પીણાં છે. જંક ફૂડ બનાવતા ઉદ્યોગો દ્વારા બાળકો અને નિર્દોષ લોકોને નિશાન બનાવીને જે જાહેરખબરોનો મારો ચલાવવામાં આવે છે તે હાનીકારક છે. WHO દ્વારા ખોરાકને લગતા રોગોને ડામવા માટે £૧ વપરાય છે તેની સામે અોછા પોષક તત્વો અને વધુ કેલેરી ધરાવતા ભોજનનો પ્રચાર કરવા માટે £૫૦૦ વાપરામાં આવે છે.'
ડો. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે અલિમ્પીક રમતોત્સવનું સ્પોન્સરર મેક'ડોનાલ્ડ હતું. આજે કાર્ડીયોવાસ્કયુલર ડીસીઝ (CVD) ના કારણે વિશ્વભરમાં સૌથી વધુ લોકોના મોત થાય છે. ફક્ત ૨૦૦૮માં જ CVDના કારણે ૧૭૩ લાખ લોકોના મોત નિપજ્યાં હતાં. જે વિશ્વમાં મોતને ભેટલા લોકોની સંખ્યાના ૩૦% હતા. જેમાંના ૭૩ લાખ લોકો કોરોનરી હાર્ટ ડીસીઝના કારણે અને ૬૨ લાખ લોકો સ્ટ્રોકના કારણે મોતને ભેટ્યા હતા. ૨૦૩૦ સુધીમાં CVDના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યામાં ૨૩૩ લાખનો વધારો થશે. CVDના કારણે થતા મોટા ભાગના મોતના બનાવો પાછળ તમાકુનુ સેવન, બીન આરોગ્યપ્રદ ખોરાક, મેદસ્વીતા, શારીરિક કસરત કે કામનો અભાવ, હાઇબ્લડ પ્રેશર અને ડાયાબિટીશ જવાબદાર છે.'
ડો. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે 'મેડિટેરિયન ડાયેટ આદર્શ ખોરાક છે અને તેમાં એક્સ્ટ્રા વર્જીન અોઇલ, સુકોમેવો (નટ્સ) આદર્શ છે. સુગર ન્યુટ્રીશનલ લેબલીંગ પણ ખતરનાક બલા છે. કેમ કે ફ્રુટકોસએ ગ્લુકોઝ નથી પણ જોખમકારક છે. હું પોતે ખૂબ જ અોછા પ્રમાણમાં ધાન્યનો વપરાશ કરું છું અને ખાંડ તો જરા પણ લેતો નથી. હું ભાતને બદલે કોલીફ્લાવર ચોખાનો વપરાશ કરું છું જે બધા સુપરમાર્કેટમાં મળી રહે છે.'
આ પ્રસંગે તંત્રીશ્રી સીબી પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને ટેસ્કોના કોમ્યુનિટી મેેનજર શ્રી અતુલ રાણીગાનો તાજા ફળ પૂરા પાડવા બદલ અને સંગત સેન્ટરના શ્રી કાંતિભાઇ નાગડાનો સંગત હોલની સવલત ઉપલબ્ધ કરાવવા બદલ સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સાંચાલન કમલ રાવે કર્યું હતું. સંપર્ક: ધૃવ ગઢવી 07956 265 544.
(તસવીર સૌજન્ય: રાજ બકરાણીયા)