લંડનઃ 1 જુલાઇથી બ્રિટનના મોટાભાગના પરિવારોના એનર્જી બિલમાં 122 પાઉન્ડનો ઘટાડો થશે. જથ્થાબંધ ગેસની કિંમતમાં ઘટાડો થતાં ઓફજેમ દ્વારા એનર્જી પ્રાઇસ કેપ 1,690 પાઉન્ડથી ઘટાડીને 1,568 પાઉન્ડ કરાઇ છે. માર્ચ 2022 પછી એનર્જી બિલ સૌથી નીચી સપાટી પર પહોંચશે અને પ્રતિ પરિવાર માસિક 10 પાઉન્ડની બચત રહેશે.
જથ્થાબંધ ગેસની કિંમતો અને વીજળીની કિંમતમાં 2021થી સતત વધારો થઇ રહ્યો હતો જેના કારણે પ્રાઇસ કેપ એપ્રિલ 2022માં 1,977 પાઉન્ડ અને જુલાઇ 2023માં 2,500 પાઉન્ડ પર પહોંચી ગઇ હતી. હવે યુરોપિયન ગેસની કિંમત ઓગસ્ટ 2022ની ટોચની કિંમતથી 80 ટકા સુધી ઘટી છે.
રેગ્યુલેટર ઓફજેમ દ્વારા નક્કી કરાતી પ્રાઇસ કેપ મહત્તમ કિંમતની મર્યાદા બાંધે છે અને તેનાઆધારે ગેસ અને વીજળીના પ્રતિ યુનિટની કિંમત વસૂલાય છે. જો તમે વધુ એનર્જીનો ઉપયોગ કરો છો તો તમારે વધુ બિલ ચૂકવવું પડે છે. એનર્જી પ્રાઇસ કેપ બ્રિટનના 28 મિલિયન પરિવારને અસર કરે છે.