લંડનઃ આગામી આઠ મહિનામાં સમગ્ર યુકેમાં ડિસ્પોઝેબલ વેપ પર પ્રતિબંધ અમલી બનશે. બાળકોના આરોગ્યને થતું નુકસાન અટકાવવા માટે નવા કાયદાઓ અંતર્ગત 1 જૂન 2025થી સમગ્ર દેશમાં ડિસ્પોઝેબલ વેપના વેચાણ પર પ્રતિબંધ લાગુ થશે. લેબર સરકાર ઇચ્છે છે કે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં પણ આજ તારીખથી પ્રતિબંધ અમલમાં આવે. જોકે રિફિલેબલ વેપનું વેચાણ જારી રહેશે કારણ કે ડોક્ટર લોકોને ધુમ્રપાન છોડાવવા માટે ઉપયોગ કરે છે.
મોટી સંખ્યામાં બાળકો ગેરકાયદેસર રીતે ડિસ્પોઝેબલ વેપની ખરીદી કરતાં હોવાનું સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ડિસ્પોઝેબલ વેપમાં વપરાતી બેટરીમાં લિથિયમ હોય છે. 2022માં યુકેમાં ફેંકી દેવાયેલા ડિસ્પોઝેબલ વેપમાં 40 ટન કરતાં વધુ લિથિયમ હતું. જેના દ્વારા 5000 ઇલેક્ટ્રિક કાર સંચાલિત થઇ શક્તી હતી.
હેલ્થ મિનિસ્ટર એન્ડ્રુ ગ્વેઇને જણાવ્યું હતું કે, ગયા વર્ષે 11-15 વર્ષની વયજૂથના 25 ટકા બાળકોએ વેપનો ઉપયોગ કર્યો હતો. અમે જાણીએ છીએ કે વેપિંગ કરતા બાળકોની મુખ્ય પસંદ ડિસ્પોઝેબલ વેપ છે. તેના પર પ્રતિબંધ મૂકવાથી તેમને સંરક્ષણ પણ પ્રાપ્ત થશે.