લંડનઃ ડાઉનિંગ સ્ટ્રીટમાં વર્ષોથી વસવાટ કરતો બિલાડો લેરી તેના જીવનના અંતિમ પડાવમાં આવી પહોંચ્યો છે. 17માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા લેરીએ ડાઉનિંગ સ્ટ્રીટમાં 6 બ્રિટિશ વડાપ્રધાનોના કાર્યકાળ જોયાં છે. ચીફ માઉસર ઓફ નંબર 10ના નામે જાણીતા આ બિલાડાને અંતિમ વિદાય આપવા માટે સત્તાવાળાઓ અત્યારથી ચૂપચાપ તૈયારી કરી રહ્યાં છે અને આ તૈયારીને ઓપરેશન લેરી બ્રિજિસ નામ અપાયું છે જેથી તેના મૃત્યુની સંવેદનશીલ જાહેરાત કરી શકાય.
બ્રિટનના હાઇ પ્રોફાઇલ વ્યક્તિઓની વિદાયના હાઇ પ્રોટોકોલ્સને આ પ્રકારના નામ અપાય છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયની અંતિમ વિદાયની તૈયારીઓને લંડન બ્રિજ નામ અપાયું હતું.
લેરીની ડાઉનિંગ સ્ટ્રીટ યાત્રાનો પ્રારંભ 2011માં થયો હતો. તત્કાલિન વડાપ્રધાન ડેવિડ કેમેરોનના પરિવારને સાથ આપવા માટે તેને બેટરસી કેટ્સ એન્ડ ડોગ્સ હોમમાંથી દત્તક લેવાયો હતો. ત્યારથી તેણે ડેવિડ કેમેરોન, બોરિસ જ્હોન્સન, થેરેસા મે, લિઝ ટ્રસ, રિશી સુનાક અને કેર સ્ટાર્મર એમ 6 વડાપ્રધાનના કાર્યકાળ જોયાં છે.
લેરીની દુશ્મની ફોરેન ઓફિસની બિલાડી પાલ્મરસ્ટોન સાથે હતી. 2019માં તેનું નિધન થતાં આ દુશ્મનાવટનો અંત આવ્યો હતો. એક સમયે તત્કાલિન ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નની બિલાડી ફ્રેયા સાથેની લેરીની અથડામણમાં પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. હાલમાં લેરી સ્ટાર્મરની ફેમિલી કેટ જોજો સાથે રહે છે અને બંને વચ્ચે સારી મિત્રતા છે.