લંડનઃ 10 ડાઉનિંગ સ્ટ્રીટ... બ્રિટનની સત્તાનું કેન્દ્ર... 14 વર્ષ પહેલાં તત્કાલિન વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન દ્વારા બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ખાતે દિવાળીની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. 14 વર્ષ બાદ ભગવાન રામ વનવાસમાંથી અયોધ્યા પરત ફર્યા તે રીતે વડાપ્રધાન કેર સ્ટાર્મર દ્વારા 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળીની ઉજવણીનું આયોજન કરાયું હતું.
દિવાળીની રોશનીથી ઝળહળી ઉઠેલી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં એશિયન વોઇસ અને ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી બી પટેલ સહિત ઇન્ડિયન ડાયસ્પોરાના હિન્દુ, જૈન અને શિખ સમુદાયોના 100 ગણમાન્ય લોકોએ હાજરી આપી હતી. વડાપ્રધાન દ્વારા તમામ હિન્દુ સંગઠનોના આગેવાનોને ઉજવણીમાં આમંત્રણ અપાયું હતું. 10 ડાઉનિંગ સ્ટ્રીટને હિન્દુ પરંપરા અનુસાર સજાવવામાં આવી હતી.
ઉજવણીના પ્રારંભે ભારતીય વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય રજૂ કરાયું હતું. ત્યારબાદ હોમ ઓફિસ માટેના પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી અને સાંસદ સીમા મલ્હોત્રાએ તમામ આમંત્રિતોનો આવકાર કરતાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મર સાથે ઓળખવિધિ કરાવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન કેર સ્ટાર્મરે બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરા અને હિન્દુ સમુદાયના યોગદાન અને લેબર પાર્ટી તથા ભારતના સંબંધો પર વિસ્તારપુર્વક વાર્તાલાપ કર્યો હતો.