લંડનઃ વિશ્વમાં મોસ્કોને બાદ કરતાં લંડન એક એવું શહેર છે જ્યાંથી સૌથી મોટી સંખ્યામાં અમીરો પલાયન કરી રહ્યાં છે. ગ્લોબલ વેલ્થના વાર્ષિક રિપોર્ટ અનુસાર છેલ્લા 12 મહિનામાં લંડનમાંથી 11,300 મિલિયોનર પલાયન કરી ગયાં છે. તેમાં બે બિલિયોનર અને 100 મિલિયન ડોલર કરતાં વધુની સંપત્તિ ધરાવતા 18 અમીરનો પણ સમાવેશ થાય છે. કન્ઝર્વેટિવ અને લેબર સરકારો દ્વારા લદાયેલા કરબોજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ચાન્સેલર રેચલ રીવ્ઝે નોન ડોમ સ્ટેટસ નાબૂદ કર્યું તેના કારણે પણ યુકેમાં વસતા પરંતુ વિદેશમાં કાયમી સરનામુ ધરાવતા મિલિયોનર પણ સરસામાન બાંધવા લાગ્યા છે. લંડનમાં હાલ 2,15,700 મિલિયોનર વસવાટ કરી રહ્યાં છે. છેલ્લા 1 દાયકામાં અમીરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોય તેવા શહેરોમાં લંડન સામેલ થઇ ગયું છે.
આમ તો પુતિન દ્વારા યુક્રેન પર હુમલો કરાયા બાદ સર્જાયેલી રાજકીય અસ્થિરતા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધના કારણે રશિયન રાજધાની મોસ્કોમાંથી મોટી સંખ્યામાં મિલિયોનર પલાયન કરી ગયાં છે પરંતુ મોસ્કોને બાદ કરતાં લંડને વિશ્વમાં સૌથી વધુ મિલિયોનર ગુમાવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં 30,000 મિલિયોનર લંડનમાંથી પલાયન કરી ગયાં છે.