લંડનઃ 14 વર્ષના સત્તાના વનવાસ બાદ લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે યુકેની સંસદની ચૂંટણીમાં વિજેતા નીવડી છે. હાઉસ ઓફ કોમન્સની કુલ 650 બેઠકમાંથી લેબર પાર્ટીએ 412 બેઠકો જીતી લઇ 174 બેઠકોની બહુમતી હાંસલ કરી છે. જેની સામે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીએ તેના ઇતિહાસનો સૌથી બદતર દેખાવ કરતાં ફક્ત 121 બેઠક મેળવવામાં સફળતા હાંસલ કરી હતી. ત્રીજા ક્રમે રહેલી લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ 1923માં તેની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ 72 બેઠક પ્રાપ્ત કરીને રેકોર્ડ સર્જ્યો છે. સ્કોટલેન્ડની આઝાદી માટે સંઘર્ષ કરી રહેલી સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી (એસએનપી)ને આ વખતે સ્કોટલેન્ડના મતદારોએ જાકારો આપતાં ફક્ત 09 બેઠક હાંસલ થઇ હતી. સંસદની ચૂંટણીમાં ઝંપલાવીને વડાપ્રધાન રિશી સુનાકના પરાજયમાં મોટું યોગદાન આપનાર નાઇજલ ફરાજની રિફોર્મ યુકે પાંચ બેઠક પ્રાપ્ત કરી શકી હતી જ્યારે ગ્રીન પાર્ટીએ તેની અત્યાર સુધીની સૌથી વધુ 04 બેઠક અને પ્લેઇડ સાયમ્રુએ ચાર – ચાર બેઠક પ્રાપ્ત કરી હતી. અન્ય પાર્ટીઓ અને અપક્ષને 23 બેઠકો પ્રાપ્ત થઇ હતી.
ચૂંટણી પરિણામ
લેબર પાર્ટી – 412 – પ્લસ 209
કન્ઝર્વેટિવ પાર્ટી – 121 – માઇનસ 244
લિબરલ ડેમોક્રેટ – 72 – પ્લસ 61
સ્કોટિશ નેશનલ પાર્ટી – 09 – માઇનસ 39
સિન ફિન – 07 – કોઇ બદલાવ નહીં
અપક્ષ – 06 – પ્લસ 06
ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી – 05 – માઇનસ 03
રિફોર્મ યુકે – 05 – પ્લસ 04
ગ્રીન પાર્ટી – 04 – પ્લસ 03
પ્લેઇડ સાયમ્રુ – 04 – પ્લસ 02
સોશિયલ ડેમોક્રેટિક લેબર પાર્ટી – 02 – કોઇ બદલાવ નહીં
એલાયન્સ પાર્ટી – 01 – કોઇ બદલાવ નહીં
અલસ્ટર યુનિયનિસ્ટ પાર્ટી – 01 – પ્લસ 01
ટ્રેડિશનલ યુનિયનિસ્ટ વોઇસ – 01 – પ્લસ 01
------------------------
કઇ પાર્ટીને કેટલા ટકા મત મળ્યાં
લેબર પાર્ટી – 33.8 ટકા
કન્ઝર્વેટિવ પાર્ટી – 23.7 ટકા
રિફોર્મ યુકે – 14.3 ટકા
લિબરલ ડેમોક્રેટ – 12.2 ટકા
ગ્રીન પાર્ટી – 6.8 ટકા
સ્કોટિશ નેશનલ પાર્ટી – 2.5 ટકા
પ્લેઇડ સાયમ્રુ – 0.7 ટકા