લંડનઃ લેસ્ટરશાયરના બ્રાઉનસ્ટોન ટાઉનના ફ્રેન્કલિન પાર્કમાં ગયા રવિવારે સાંજે 80 વર્ષીય ભીમ કોહલની હત્યાના સંદર્ભમાં પોલીસે 14 વર્ષીય કિશોરને હત્યાના આરોપસર કસ્ટડીમાં લેવાયો છે. ભીમ કોહલી પર કરાયેલા હુમલામાં કથિત રીતે સામેલ મનાતા અન્ય 4 બાળકોને છોડી દેવાયાં છે. પોલીસે જણાવ્યું હતું કે ગરદન પર ઇજા થવાના કારણે ભીમ કોહલીનું મોત થયું હતું. ઇન્સ્પેક્ટર એમ્મા મેટ્સે જણાવ્યું હતું કે, કોહલીનું મોત અત્યંત કરૂણ અને ન કેવળ પરિવાર તથા મિત્રો પરંતુ સમગ્ર સમાજને વિચલિત કરનારું છે. અમે પરિવારને સહાય કરી રહ્યાં છીએ.
આ વિસ્તારમાં રહેતી મહિલાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અગાઉ પણ ભીમ કોહલી પર હુમલો કરાયો હતો. મને લાગે છે કે આ કિશોરો તેમને પરેશાન કરી રહ્યાં હતાં. તેઓ વૃદ્ધને પથ્થર મારી રહ્યાં હતાં.
ભીમ કોહલીએ આ પહેલાં પણ કિશોરોના અસામાજિક વર્તન માટે પોલીસને ફરિયાદ કરી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે કેટલાક કિશોરો તેમના ઘર પાસે શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યાં છે. જ્યારે મેં તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે મારા પર પથ્થર ફેંક્યા હતા. મૂળ ભારતના પંજાબના વતની એવા કોહલીનું ગરદન અને કરોડરજ્જૂમાં થયેલી ગંભીર ઇજાના કારણે મોત થયું હતું.