લંડનઃ રેલવેના કર્મચારીઓને 15 ટકાનો પગાર વધારો અપાયો અને તેમણે સ્વીકાર્યો તેમ છતાં હવે ટ્રેન ડ્રાઇવરોના સૌથી મોટા યુનિયને 3 મહિના સુધી 48 કરતાં ઓછા સમયની હડતાળ પર જવાની જાહેરાત કરી છે જેના પગલે રેલવે સેવાઓ ખોરવાશે નહીં તેવી આશા પર પાણી ફરી વળ્યું છે.
આસલેફ યુનિયને જણાવ્યું છે કે બ્રિટનની બીજા ક્રમની સૌથી વ્યસ્ત રેલવે લાઇન ઇસ્ટ કોસ્ટ મેઇનલાઇન પર ફરજ બજાવતા ડ્રાઇવરો 31 ઓગસ્ટથી 10 નવેમ્બર વચ્ચે દર સપ્તાહાંતમાં એટલે કે 22 દિવસની હડતાળ પાડશે.
જુલાઇમાં સત્તા પર આવેલી લેબર સરકારે ટ્રેન ડ્રાઇવરોને આગામી 3 વર્ષ સુધી 9000 પાઉન્ડ સુધીનો પગાર વધારો આપવાની જાહેરાત કરી હોવા છતાં આ હડતાળનું એલાન કરાયું છે. તેમની આ જાહેરાતના પગલે અન્ય કર્મચારી યુનિયનો દ્વારા પણ ફુગાવાના દર કરતાં વધુ પગાર વધારાની માગ સાથે હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવે તેવી સંભાવના વધી ગઇ છે.
હિથ્રો પર બોર્ડર ફોર્સ અધિકારીઓ 31 ઓગસ્ટથી 4 દિવસની હડતાળ પર
ટ્રેન ડ્રાઇવરોની હડતાળની જાહેરાતના થોડા જ કલાકોમાં હિથ્રો એરપોર્ટ પર ફરજ બજાવતા સેંકડો બોર્ડર ફોર્સ કર્મચારીઓએ પણ 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી 4 દિવસ હડતાળ પર જવાની જાહેરાત કરી છે. આ સમયગાળો વેકેશન માણવા ગયેલા સેંકડો પ્રવાસીઓ સાથે સૌથી વધુ વ્યસ્ત રહેતો સમય છે. પીસીએસ યુનિયનના 650 સભ્યો આ હડતાળ પર જવાના છે.