લંડનઃ યુકેના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સરકારને 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની અપીલ કરી છે. તેમનો દાવો છે કે સોશિયલ મીડિયા અપરાધોને વેગ આપી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ માને છે કે જાહેર સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને યુવાઓના માનસિક આરોગ્ય માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નિયંત્રણો જરૂરી છે.
નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલના બળાત્કાર મામલાઓના વડા સારા ક્રુએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બાળકોને શારીરિક શોષણના જોખમમાં ધકેલી રહ્યાં છે. બાળકો સરળતાથી ભોળવાઇ જતાં હોય છે તેના કારણે અપરાધીઓને સોશિયલ મીડિયા દ્વારા તેમને શિકાર બનાવે છે.
મહિલા અને સગીરા વિરોધી હિંસા મામલાના નેશનલ પોલીસ લીડ મેગી બ્લિથે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ફક્ત આપણા બાળકો અને યુવાઓ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે મહત્વની ધમકીરૂપ છે. સોશિયલ મીડિયાથી પ્રેરાઇને બાળકો અને યુવાઓ હિંસાના માર્ગે વળી રહ્યાં છે. ભયાનકતા એ છે કે આપણે આ બધી બાબતોને સામાન્ય ગણીને સ્વીકારી રહ્યાં છીએ. બ્લિથે બાળકોને સોશિયલ મીડિયાના ભયસ્થાનો અંગે શિક્ષિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
સરે પોલીસના ચીફ કોન્સ્ટેબલ ટીમ ડે મેયેર કહે છે કે સોશિયલ મીડિયા અપરાધો ભડકાવી રહ્યું છે. 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ આવશ્યક છે. કાઉન્ટર ટેરરિઝમના પોલીસ વડા મેટ જ્યુક્સ કહે છે કે ગયા વર્ષે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરાયેલા પૈકીના 20 ટકા બાળકો હતા. આતંકવાદી સંગઠનો સોશિયલ મીડિયાના માધ્યમથી કટ્ટરવાદ ફેલાવે છે, સૂચનાઓ આપે છે અને તેમની વિચારધારાનો પ્રચાર કરે છે.
મેટ્રોપોલિટન પોલીસના પૂર્વ આસિસ્ટન્ટ કમિશ્નર નીલ બાસુએ પણ 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધને સમર્થન આપ્યું હતું.