લંડનઃ ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની તૈયારીઓ બાદ હવે યુકેમાં પણ 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા સરકારે વિચારણા શરૂ કરી દીધી છે. આ માટે સરકાર સંસદમાં રજૂ થનારા પ્રાઇવેટ મેમ્બર બિલને સમર્થન આપશે. આ કાયદા દ્વારા સોશિયલ મીડિયા કંપનીઓને બાળકો અંગેની માહિતી એકઠી કરવાની પરવાનગી અપાશે.
સરકારે સાંસદોને આ કાયદાને સમર્થન આપવા સાંસદોને અપીલ કરી છે. લેબર સાંસદ જોશ મેકએલિસ્ટર દ્વારા રજૂ કરાયેલા ખરડાને પહેલા તો સમર્થન આપવાનો સરકારે ઇનકાર કરી દીધો હતો કારણ કે તેમાં શાળાઓમાં સ્માર્ટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધની વાત કરવામાં આવી હતી. સરકાર ઇચ્છતી હતી કે ખરડામાંથી આ જોગવાઇ નાબૂદ કરવામાં આવે કારણ કે પોતાના સ્તરે આ નિર્ણય લેવાનો શાળાઓને અધિકાર છે.
હાલ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેક્રેટરી પીટર કાયલે ઓસ્ટ્રેલિયા દ્વારા કરાઇ રહેલી કાર્યવાહી પર નજર રાખી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાએ ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લદાશે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે પણ આ ખરડાને સમર્થન આપ્યું છે.