લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક એ-લેવલના અભ્યાસક્રમોમાં સુધારાની યોજના તૈયાર કરી રહ્યા છે જે અંતર્ગત વિદ્યાર્થીને 16 વર્ષની વય બાદ વધુ વિષયનો અભ્યાસ કરવો પડશે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે થઇ રહેલી તૈયારી અંતર્ગત વિદ્યાર્થીએ 16 વર્ષની વય બાદ વ્યાપક વિષયોનો અભ્યાસ કરવો પડશે. 18 વર્ષની વય સુધી અંગ્રેજી અને મેથ્સનો અભ્યાસ ફરજિયાત બની રહેશે.
વડાપ્રધાન રિશી સુનાક ઇચ્છે છે કે તમામ બાળકોએ 18 વર્ષની વય સુધી મેથ્સનો અભ્યાસ કરવો જોઇએ પરંતુ હાલની એ-લેવલ સિસ્ટમ અંતર્ગત તે શક્ય નથી. જોકે આ યોજનાનો અમલ આગામી સંસદની ચૂંટણી પહેલાં થવાની કોઇ સંભાવના નથી પરંતુ સુનાકને આશા છે કે આ પ્રયાસથી તેઓ શિક્ષણ નીતિ અંગે લેબર પાર્ટી કરતાં વધુ સારી રીતે રજૂઆત કરી શકશે.
સરકારના એક વરિષ્ઠ સૂત્રે જણાવ્યું હતું કે, સરકાર વિવિધ વિકલ્પોની ચકાસણી કરી રહી છે પરંતુ હજુ કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. કન્ઝર્વેટિવ પાર્ટીના એક સીનિયર નેતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન દેશ સમક્ષ રહેલા લાંબાગાળાના સવાલો પર ધ્યાન આપવા પ્રતિબદ્ધ છે. તેમાં એ-લેવલના અભ્યાસક્રમોમાં સુધારા પણ મહત્વનો હિસ્સો છે.
વડાપ્રધાન સુનાક જાહેર નીતિમાં શિક્ષણને સિલ્વર બુલેટ ગણાવે છે. તેઓ માને છે કે જાહેર નીતિ લોકોની જિંદગી બહેતર બનાવી શકે છે અને આ માટે જ હું રાજનીતિમાં આવ્યો છું.