લંડનઃ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન જ્યોર્જ ગ્રેનવિલેની સોનાની વીંટી 9500 પાઉન્ડમાં વેચાઇ છે. 85 વર્ષીય મેટલ ડિટેક્ટોરિસ્ટ ટોમ ક્લાર્કને આયલ્સબરી, બકિંગહામશાયરમાં સ્થિત ઘેટાં ચરાવવાના એક ઘાસના મેદાનમાંથી આ વીંટી મળી આવી હતી. જ્યોર્જ ગ્રેનવિલે વર્ષ 1763થી 1765 વચ્ચે બ્રિટનના વડાપ્રધાન રહ્યા હતા. નૂનાન્સ મેફેર ખાતેની હરાજીમાં એક અમેરિકન દ્વારા આ વીંટી ખરીદવામાં આવી હતી. જ્યોર્જ ગ્રેનવિલે દ્વારા અમલી બનાવાયેલા કાયદાઓનો તત્કાલિન અમેરિકન કોલોનીઓમાં ભારે વિરોધ કરાયો હતો જેના પગલે કિંગ જ્યોર્જ ત્રીજાએ તેમને વડાપ્રધાનપદેથી બરખાસ્ત કર્યા હતા.