લંડનઃ જુલાઇ 2024માં યોજાયેલી સંસદની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે સત્તા પર આરૂઢ થયેલી લેબર પાર્ટીની લોકપ્રિયતા માત્ર 3 મહિનામાં તળિયે બેઠી છે. તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલ બેઠકોની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીને મોટી પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. સમગ્ર દેશમાં લેબર પાર્ટીને મળેલા મતોની ટકાવારીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
19 કાઉન્સિલ બેઠકોની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીએ 4 બેઠક ઓછી મેળવી હતી જ્યારે ટોરી પાર્ટીને 4 બેઠકનો લાભ થયો હતો. લેબર પાર્ટીએ 16 બેઠક પર તેના ઉમેદવાર ઉતાર્યા હતા જેમાં પાર્ટીના સરેરાશ મતોમાં 10 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. લેબર પાર્ટીને સાઉથ રિબલ બેઠક પર 21.6 ટકા, નોર્થ ઇસ્ટ ડર્બીશાયર બેઠક પર 21.3 ટકા અને લીડ્સ બેઠક પર 20 ટકા મત ઓછા મળ્યાં હતાં. ફક્ત લંડન અને સ્કોટલેન્ડમાં લેબર પાર્ટીને આશ્વાસનજનક પરિણામ પ્રાપ્ત થયાં હતાં. ઇલિંગની બેઠક અને નોર્થ લાનાર્કશાયર બેઠક પર પાર્ટીને ફક્ત 0.1 ટકાનું નુકસાન થયું હતું.
ફાયલ્ડે અને પેમબ્રોકશાયર બેઠક પર ટોરી ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારોને જ્યારે વર્થિંગ અને નોર્થ ઇસ્ટ ડર્બીશાયર બેઠકો પર લેબર પાર્ટીના ઉમેદવારોને પરાજિત કર્યાં હતાં. ટોરી ઉમેદવારોના મતોમાં 15.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. લીડ્સની બેઠક પર ગ્રીન પાર્ટીએ લેબર ઉમેદવારને પરાજિત કર્યા હતા. ટોરીએ એલ્મબ્રિજ બેઠક પર લિબડેમ ઉમેદવારને પરાજિત કર્યો હતો.
રિફોર્મ યુકેએ સારો દેખાવ કરતાં હાર્લો બેઠક પર 20 ટકા અને લીડ્સ બેઠક પર 24.4 ટકા મત હાંસલ કર્યાં હતાં. પેટાચૂંટણીના પરિણામો દર્શાવે છે કે 4 જુલાઇની સંસદની ચૂંટણી બાદ લેબર પાર્ટીની લોકપ્રિયતામાં મોટો ઘટાડો નોંધાયો છે.
એક અલગ સરવે પ્રમાણે પણ સરકારમાં 100 દિવસ પૂરા થાય તે પહેલાં જ વડાપ્રધાન કેર સ્ટાર્મરની લોકપ્રિયતામાં રેકોર્ડ ઘટાડો થયો છે. સરવેમાં સ્ટાર્મરને માઇનસ 26નું રેટિંગ અપાયું છે. 52 ટકા બ્રિટિશર સ્ટાર્મરની કામગીરીથી ખુશ નથી. લેબર પાર્ટીની લોકપ્રિયતાનું રેટિંગ પણ પ્લસ 6થી ઘટીને માઇનસ 21 પર આવી ગયું છે.