લંડનઃ 20 માઇલ પ્રતિ કલાકના સ્પીડ લિમિટ ઝોન અને લો ટ્રાફિક નેબરહૂડ તૈયાર કરવા ઇચ્છતી કાઉન્સિલોને અટકાવવાની ટોરી યોજનાને લેબર સરકારે ઉલટાવી દીધી છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી લૂઇસ હેઇહે જણાવ્યું હતું કે, નગરો અને શહેરોમાં 20 માઇલ પ્રતિ કલાકના સ્પીડ લિમિટ ઝોન તૈયાર કરવા ઇચ્છતી કાઉન્સિલોને સરકારનું સંપુર્ણ સમર્થન મળશે.
તેમણે જણાવ્યું હતું કે, ટોરી સરકારે વાહનચાલકો વિરોધી વલણ અપનાવ્યું હતું. આ પ્રકારના શ્રેષ્ઠ નિર્ણયો સ્થાનિક સ્તરે જ લેવાઇ શકે છે. આ પ્રકારના નિર્ણયો સ્થાનિક સ્તરે જનતા દ્વારા જ લેવાયા જોઇએ અને કેન્દ્ર સરકારે તેના નિર્ણયો તેમના પર થોપી દેવા જોઇએ નહીં. અમે આ પ્રકારના કલ્ચર વોર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
તેમણે જણાવ્યું હતું કે, આગામી બજેટમાં આ પ્રકારની યોજનાઓ માટે સરકાર દ્વારા વધુ ફાળવણી કરાશે. ગયા વર્ષે ટોરી સરકારે એલટીએન પ્રોજેક્ટ માટેનું કાઉન્સિલોને અપાતું ફંડિંગ અટકાવી દીધું હતું જેના પગલે તેમને આ યોજનાઓ માટેના નાણા જાતે જ ઊભા કરવાની નોબત આવી હતી. ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ હવે આ નિર્ણય ઉલટાવી દેવાની સ્પષ્ટ વાત કરી છે.