લંડનઃ 20 વર્ષ પહેલાં એક સશસ્ત્ર લૂટ દરમિયાન પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરનાર ગેંગના સરગણા 75 વર્ષીય પિરન ડિટ્ટા ખાનને મહિલા પોલીસ અધિકારીની હત્યા માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 18 નવેમ્બર 2005ના રોજ બ્રાડફોર્ડમાં પોલીસ કોન્સ્ટેબલ શેરોન બેશેનિવસ્કીની હત્યામાં સંડોવણી માટે ખાન છેલ્લા બે દાયકાથી ન્યાયના સકંજાથી બચતો રહ્યો હતો. ગયા વર્ષે ખાનને પ્રત્યર્પણ સંધિ અંતર્ગત પાકિસ્તાનથી બ્રિટન લવાયો હતો. લીડ્સ ક્રાઉન કોર્ટમાં સુનાવણી બાદ તેને દોષી ઠેરવાયો હતો. ખાનને ઓછામાં ઓછા 40 વર્ષ જેલમાં વીતાવવા પડશે.
બ્રાડફોર્ડમાં યુનિવર્સલ એક્સપ્રેસ ટ્રાવેલ એજન્ટના ત્યાં ખાન અને તેની ગેંગના સશસ્ત્ર લૂટારા ત્રાટક્યા ત્યારે ફરજ બજાવવા પહોંચેલા પોલીસ કોન્સ્ટેબલ શેરોનને લૂટારાઓ સાથેની અથડામણમાં જીવલેણ ઇજા પહોંચી હતી. તેમની સાથેના પોલીસ કોન્સ્ટેબલ પી સી મિલબર્નને પણ ગંભીર ઇજા પહોંચી હતી.