લંડનઃ ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરીએ 2023માં તેના શબ્દકોશમાં એક નવો શબ્દ ઉમેર્યો છે. આ શબ્દ છે ‘રિઝ’ (Rizz) છે. ઓક્સફર્ડે આ શબ્દને ‘વર્ડ ઓફ ધ યર’નું બિરુદ પણ આપ્યું છે. ‘રિઝ’ એ કરિશ્મા (charism) શબ્દનું ટૂંકું સ્વરૂપ છે. ‘રિઝ’ શબ્દનો ઉપયોગ પ્રખ્યાત હોલિવૂડ અભિનેતા ટોમ હોલેન્ડે એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેનો અર્થ ‘રોમેન્ટિક અપીલ’ પણ થાય છે. સોશિયલ મીડિયા પર આ શબ્દનો ઉપયોગ ખાસ કરીને કોઈ વ્યક્તિના ચાર્મ, સ્ટાઈલ અને આકર્ષણને બતાવવા માટે કરાય છે.
139 વર્ષ જૂની ડિક્શનરી
ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરીની કમિટી દર વર્ષે તેના શબ્દકોશમાં નવા શબ્દો ઉમેરે છે. ઓક્સફર્ડની પ્રથમ અંગ્રેજી ડિક્શનરી 1 ફેબ્રુઆરી 1884ના રોજ પ્રકાશિત થઇ હતી. જોકે, તેના પર કામ 1857માં જ શરૂ થઈ ગયું હતું. ડિક્શનરી બનાવતી વખતે તેમાં માત્ર તેવા જ શબ્દોનો સમાવેશ કરાયો હતો જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં થતો હતો. 11મી સદીથી 18મી સદી સુધીના લોકપ્રિય શબ્દો તેમાં ઉમેરવામાં આવ્યા હતા. તે સમયે આ શબ્દકોશ 4 અલગ-અલગ ગ્રંથોમાં તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં 6,400થી વધુ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
10 હજાર શબ્દઃ અમેરિકન સર્જનનું યોગદાન
ઓક્સફર્ડ ડિક્શનરી અગાઉ ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી તરીકે જાણીતી હતી. આ શબ્દકોશ તૈયાર કરવામાં હજારો લોકોએ સહયોગ આપ્યો હતો. પરંતુ સૌથી વધુ યોગદાન આપનાર સર જેમ્સ ઓગસ્ટસ હેનરી મરે અને ડો. વિલિયમ ચેસ્ટર હતા. હેનરી મુરે ઓક્સફર્ડ ડિક્શનરીના લેખક હતા. અમેરિકન સર્જન ડો. વિલિયમ ચેસ્ટર માઈનરે એકલાએ શબ્દકોશમાં 10 હજારથી વધુ શબ્દોનું યોગદાન આપ્યું છે. શબ્દકોશ તેના પ્રકાશનનાં 44 વર્ષ પછી 1928માં સંપૂર્ણપણે અપડેટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ શબ્દકોશમાં 4 લાખથી વધુ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને કુલ 10 વોલ્યુમમાં તૈયાર કરાયો હતો. તેનું શીર્ષક હતું ‘અ ન્યૂ ઈંગ્લિશ ડિક્શનરી ઓન હિસ્ટોરિકલ પ્રિન્સિપલ્સ’. ત્યારથી લઈ અત્યાર સુધીમાં દર વર્ષે ઓક્સફર્ડ ડિક્શનરીમાં પ્રત્યેક ભાષાના શબ્દો સામેલ કરવામાં આવે છે.
ઓક્સફર્ડ ડિક્શનરીની અધિકૃત વેબસાઈટ મુજબ હાલમાં તેની પાસે 20 વોલ્યુમો છે. આજની તારીખમાં શબ્દકોશમાં 6 કરોડથી વધુ શબ્દો હાજર છે. ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષે અપડેટ થાય છે. 1984માં ડિક્શનરીનું ઈલેક્ટ્રોનિક વર્ઝન લાવવાનું પણ વિચારાયું હતું. આ માટે 120 લોકોએ ડિક્શનરીમાંથી શબ્દો ટાઈપ કર્યા હતા અને 50 પ્રૂફરીડર રાખવામાં આવ્યા હતા.
વિશ્વની પ્રથમ ડિક્શનરી
વિશ્વનો પ્રથમ અંગ્રેજી શબ્દકોશ રોબર્ટ કવાડે દ્વારા બનાવાયો હતો, જેમાં 3 હજાર શબ્દો હતા. તેને ‘એ ટેબલ આલ્ફાબેટિકલ’ નામ આપ્યું હતું, જે વર્ષ 1604માં પ્રકાશિત થયું હતું. વર્ષ 1746-47માં સેમ્યુઅલ જોન્સને તે સમયનો સૌથી મોટો અંગ્રેજી શબ્દકોશ બનાવ્યો, જેમાં લગભગ 43 હજાર શબ્દો હતા.