લંડનઃ રોયલ મેઇલ દ્વારા પોસ્ટ ડિલિવરીમાં ધાંધિયા યથાવત રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં રોયલ મેઇલે સરેરાશ 75 ટકા કરતાં પણ ઓછી ફર્સ્ટ ક્લાસ પોસ્ટની ડિલિવરી કરી હતી. જેના પગલે રેગ્યુલેટર ઓફકોમે રોયલ મેઇલ સામે તપાસ શરૂ કરી છે. તાજેતરમાં જારી કરેલા વાર્ષિક નાણાકીય પરિણામોમાં રોયલ મેઇલની પેરેન્ટ કંપની ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિઝે જણાવ્યું હતું કે, કામના એક દિવસમાં રોયલ મેઇલ દ્વારા સરેરાશ 74.5 ટકા જ ફર્સ્ટ ક્લાસ પોસ્ટ ડિલિવર કરાઇ હતી.
ઓફકોમના નિયમો અનુસાર ક્રિસમસને બાદ કરતાં અન્ય તમામ દિવસોએ સમયમર્યાદામાં 93 ટકા ફર્સ્ટ ક્લાસ પોસ્ટની ડિલિવરી થવી જોઇએ. રોયલ મેઇલ સેકન્ડ ક્લાસ પોસ્ટ ડિલિવરીનો 98.5 ટકાનો લક્ષ્યાંક પણ હાંસલ કરી શકી નથી. છેલ્લા એક વર્ષમાં રોયલ મેઇલ સરેરાશ 92.4 ટકા સેકન્ડ ક્લાસ મેઇલની જ ડિલિવરી કરી શકી હતી.
ઓફકોમે જણાવ્યું હતું કે, જો રોયલ મેઇલ દ્વારા સંતોષકારક સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો અમે સ્વીકારી લઇશું કે રોયલ મેઇલ તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે. અમે રોયલ મેઇલ પર પેનલ્ટી પણ લાદી શકીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે 2022-23માં રોયલ મેઇલ તેની કામગીરીના લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ જતાં ઓફકોમ દ્વારા 5.6 મિલિયન પાઉન્ડનો દંડ કરાયો હતો.