લંડનઃ વિશ્વના કોઇપણ વિકસિત દેશ કરતાં ગયા વર્ષે બ્રિટનમાં આવેલા કાયમી માઇગ્રન્ટસની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ અનુસાર ગયા વર્ષે 7,46,900 પરમેનેન્ટ ટાઇપ માઇગ્રન્ટ યુકેમાં આવ્યા હતા. 2022માં આ આંકડો 4,88,400 હતો. જે 52.9 ટકાનો ઉછાળો દર્શાવે છે. યુકે બાદ ઓઇસીડી ક્લબના અમીર દેશોમાં પરમેનેન્ટ ટાઇપ માઇગ્રન્ટની સંખ્યામાં બીજા ક્રમે દક્ષિણ કોરિયામાં 50.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
બ્રિટનમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યામાં પણ વધારો થયો હતો. ગયા વર્ષે અમેરિકામાં 1.2 મિલિયન માઇગ્રન્ટ પહોંચ્યા હતા. કોરોના મહામારી બાદ બ્રિટન આવતા માઇગ્રન્ટની સંખ્યા બમણી થઇ ગઇ છે. 2019થી 2023ની વચ્ચે બ્રિટન આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં 110 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
પરમેનેન્ટ ટાઇપ માઇગ્રન્ટસમાં વિદેશી કામદારો અને તેમના પરિવારજનોનો સમાવેશ થાય છે. તેમાં વિદેશી વિદ્યાર્થીઓ કે યુક્રેનના નિરાશ્રીતોનો સમાવેશ થતો નથી. યુકેના કિસ્સામાં ઓઇસીડીએ જણાવ્યું હતું કે, યુકેમાં ફેમિલી માઇગ્રેશનમાં વધારો થયો છે. યુકેમાં વર્ષ 2023માં 3,73,000 ફેમિલી માઇગ્રન્ટ પહોંચ્યા હતા જે 2022ની સરખામણીમાં 60 ટકાનો વધારો દર્શાવે છે. 70 ટકા ફેમિલી માઇગ્રન્ટ્સમાં શ્રમિક માઇગ્રન્ટ્સના પરિવારજનો હતા. હેલ્થ એન્ડ કેર વિઝાધારકોના પરિવારજનોના કારણે પણ આ આંકડો ઊંચો ગયો હતો. જોકે માર્ચ 2024થી હેલ્થ કેર વિઝાધારકોના પરિવારજનોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.