લંડનઃ એક રિપોર્ટ પ્રમાણે આગામી એક વર્ષમાં ઇંગ્લેન્ડમાં દર 6માંથી 1 ફાર્મસી બંધ થઇ જશે. કોમ્યુનિટી ફાર્મસી ઇંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર દવાઓની અછત વચ્ચે દર્દીઓ હાલ પણ ફાર્મસીના ધક્કા ખાવા મજબૂર બની રહ્યાં છે ત્યારે વધુ ફાર્મસીઓ બંધ થતાં સ્થિતિ વધુ બદતર બનવાની સંભાવના છે. ફાર્મસીઓ પર સર્જાઇ રહેલું આર્થિક દબાણ દર્દીઓની સારવાર માટે જોખમરૂપ બની રહ્યું છે.
50 ટકા કરતાં વધુ ફાર્મસીઓએ જણાવ્યું હતું કે, આર્થિક બોજાના કારણે અમારી સેવાઓ ર અસર પડી રહી છે, દર્દીઓને દવાઓ મેળવવામાં લાંબા વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સરકાર દ્વારા અપાતી આર્થિક સહાય અપુરતી છે. 2015 પછી એનએચએસના ફંડિંગમાં 30 ટકાનો ઘટાડો થયો છે.
કોમ્યુનિટી ફાર્મસી ઇંગ્લેન્ડ 10,500 કોમ્યુનિટી ફાર્મસીનું પ્રતિનિધિત્વ કરે છે. તેના જણાવ્યા અનુસાર 66 ટકા ફાર્મસી ખોટ કરી રહી છે જ્યારે 16 ટકા ફાર્મસી આ વર્ષના અંત સુધીમાં અસ્તિત્વ ટકાવી રાખવાની સ્થિતિમાં નહીં હોય.
ફાર્મસીના કર્મચારીઓનું કહેવું છે કે અમારી સમસ્યાઓના કારણે દર્દીઓ નાહકના દંડાઇ રહ્યાં છે. 94 ટકા ફાર્મસી દવાઓની અછતનો સામનો કરી રહી છે. 86 ટકા પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવાઓ આપવામાં મુશ્કેલી વેઠી રહી છે. તેના કારણે દર્દીઓને દવાઓ માટે લાંબા વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.