લંડનઃ પોલીસમાં નોંધાતા બાળકોના જાતીય શોષણના કેસોમાં પ્રતિ દિવસ બે કેસમાં ગ્રૂમિંગ ગેંગ સંડોવાયેલી હોય છે. ઇંગ્લેન્ડ અને વેલ્સના તમામ 43 પોલીસ ફોર્સના ડેટા અનુસાર 2023માં પોલીસ દ્વારા ગ્રૂમિંગ ક્રાઇમના 717 કેસ જ્યારે 2024ના પ્રથમ 9 મહિનામાં 572 કેસ નોંધવામાં આવ્યા હતા. એકતરફ સરકાર અને નેતાઓ ગ્રૂમિંગ ક્રાઇમ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યાં છે ત્યારે આ આંકડા ઘણા ચોંકાવનારા છે. આ તો પોલીસના ચોપડે નોંધાયેલા કેસ છે. વણનોંધાયેલા કેસની સંખ્યા મોટી હોઇ શકે છે.
નવા એનાલિસિસ અનુસાર બાળકોના જાતીય શોષણના કુલ 1,15,489 કેસમાંથી 3.7 ટકા એટલે કે 4228 કેસમાં બેથી વધુ અપરાધી સંડોવાયેલા હતા. આ 4228 કેસમાંથી 717 કેસ એટલે કે 17 ટકા કેસમાં ગ્રૂમિંગ ગેંગ સંડોવાયેલી હતી. પરિવારના જ સભ્ય જાતીય શોષણમાં સંડોવાયેલા હોય તેવા કેસની સંખ્યા 26 ટકા હતી.