લંડનઃ યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશન (UKVI) દ્વારા યુકેના વિઝાધારકો માટેના ઇમિગ્રેશન દસ્તાવેજીકરણમાં મોટા બદલાવ કરવામાં આવી રહ્યાં છે. હવે UKVI નવી ડિજિટલ ઇમિગ્રેશન સિસ્ટમ અપનાવવા આગળ વધી રહ્યો છે, તેનો અર્થ એ કે હવે ફિઝિકલ દસ્તાવેજોનું સ્થાન ઇ-વિઝા લેશે. ઇ-વિઝા દ્વારા વ્યક્તિના ઇમિગ્રેશન સ્ટેટસનો ઓનલાઇન રેકોર્ડ મળી રહેશે. તેમાં યુકેમાં તેમના રોકાણ અને પ્રવેશ માટેની શરતોનો પણ ઉલ્લેખ હશે.
ઇ-વિઝા એક એવો ડિજિટલ દસ્તાવેજ છે જે ન તો ગૂમ થશે, ચોરાશે અથવા તો તેની સાથે કોઇ ચેડાં કરી શકાશે. ઇ-વિઝા ગમે ત્યાં ગમે તે સમયે ઉપલબ્ધ બની રહેશે. તેના દ્વારા વ્યક્તિ પાસે તેના ડેટાનું નિયંત્રણ રહેશે. વ્યક્તિ તેના નવા સંપર્ક કે પાસપોર્ટની માહિતી માટે હોમઓફિસનો સીધો સંપર્ક કરી શકશે.
ઓળખની છેતરપિંડી અટકાવવા માટે જે રીતે વ્યક્તિની બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ અથવા તો બાયોમેટ્રિક રેસિડેન્સ કાર્ડ હોય છે તેવી જ રીતે ઇ-વિઝા પણ વ્યક્તિની બાયોમેટ્રિક માહિતી સાથે સુરક્ષિત રીતે સંકળાયેલો હશે.
UKVIદ્વારા કયા દસ્તાવેજોમાં બદલાવ
0 બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ (બીઆરપી)
0 બાયોમેટ્રિક રેસિડેન્સ કાર્ડ (બીઆરસી)
0 વેટ લિન્ક સ્ટેમ્પમાંથી મુક્તિ માટે પાસપોર્ટ એન્ડોર્સમેન્ટ
0 એન્ટ્રી ક્લિયરન્સ અથવા વિઝા વિગનેટ્સ જેવા પાસપોર્ટમાં વિગનેટ સ્ટીકર્સ
31 ડિસેમ્બર 2024 સુધીમાં દસ્તાવેજો અપડેટ કરાવવાના રહેશે
જો તમે ઉપર દર્શાવેલા કોઇપણ દસ્તાવેજ ધરાવો છો તો તમારે તેમને ઇ-વિઝામાં 31 ડિસેમ્બર 2024 સુધીમાં અપડેટ કરાવી લેવાના રહેશે. 1 જાન્યુઆરી 2025થી ઇમિગ્રેશન સ્ટેટસ પૂરવાર કરવા માટે ઇ-વિઝાની જરૂર પડશે. ફિઝિકલ દસ્તાવેજો માન્ય ગણાશે નહીં. જો તમે તમારા ઇમિગ્રેશન અધિકારો પૂરવાર કરવા માટે લેગસી પેપર દસ્તાવેજનો ઉપયોગ કરો છો તો તમારે હવે શું કરવું તે અંગે www.gov.uk/evisa વેબસાઇટ પર તપાસ કરો. ઇ-વિઝામાં ફિઝિકલ ડોક્યુમેન્ટ અપડેટ કરવાથી તમારા ઇમિગ્રેશન સ્ટેટસમાં કોઇ બદલાવ થશે નહીં.