લંડનઃ ગુજરાતના ગિફ્ટ સિટીમાં બ્રિટનની કોવેન્ટ્રી યુનિવર્સિટી દ્વારા કેમ્પસ શરૂ કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે. ગિફ્ટ સિટીમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરનારી તે પ્રથમ યુનિવર્સિટી છે. વર્ષ 2026થી આ કેમ્પસ વિદ્યાર્થીઓને પ્રવેશ અને શૈક્ષણિક કામગીરીનો પ્રારંભ કરશે.
ગુજરાતમાં આ યુનિવર્સિટી કોવેન્ટ્રી યુનિવર્સિટી ગિફ્ટ સિટીના નામથી ઓળખાશે. શરૂઆતમાં યુનિવર્સિટી ખાતે બીએસસી ઓનર્સ ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ અને બીએસસી ઓનર્સ ઇન બિઝનેસ એન્ડ ફાઇનાન્સ એમ બે અભ્યાસક્રમ શરૂ થશે. ભવિષ્યમાં યુનિવર્સિટી દ્વારા નવા અભ્યાસક્રમ પણ ઓફર કરાશે.
2025ના પ્રારંભે કોવેન્ટ્રી યુનિવર્સિટીએ નવી દિલ્હીમાં તેના ભારતીય કેન્દ્રની શરૂઆત કરી હતી. યુનિવર્સિટી હવે સમગ્ર વિશ્વમાં તેની શાખાઓ શરૂ કરવા જઇ રહી છે જેમાં ઇજિપ્ત, મોરક્કો, ચીન, કઝાખસ્તાન અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે.
લંડન સ્ટોક એક્સચેન્જ ખાતે આયોજિત 13મા યુકે ઇન્ડિયા ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ ડાયલૉગમાં યુનિવર્સિટીને મંજૂરીની સત્તાવારા જાહેરાત કરાઇ હતી.