લંડનઃ આગામી મહિનાથી દેશમાં ઝોમ્બી સ્ટાઇલના ચાકૂ પર પ્રતિબંધ અમલી બની રહ્યો છે ત્યારે જનતાને તેમની પાસેના આ પ્રકારના હથિયારો પોલીસમાં જમા કરાવી દેવાનો આદેશ અપાયો છે. સુનાક સરકાર દ્વારા પસાર કરાયેલા કાયદા અનુસાર 24 સપ્ટેમ્બરથી આ પ્રતિબંધ અમલમાં આવી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સની જનતા 26 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર વચ્ચે પોલીસ મથકોમાં હથિયાર જમા કરાવીને તેના વળતરનો દાવો કરી શકશે.
પોલિસીંગ મિનિસ્ટર ડેમ ડાયના જ્હોન્સને જણાવ્યું હતું કે, નાઇફ ક્રાઇમમાં ઘટાડો કરવાની દિશામાં સરકારનું આ પ્રથમ પગલું છે. સરકાર નિન્જા તલવારો પર પ્રતિબંધ લાવવાની પણ તૈયારી કરી રહી છે. જનતાએ આ હથિયારોને યોગ્ય રીતે પેક કરીને પોલીસ મથક પર લાવવાના રહેશે અને તે અંગે સલાહ માટે તેમના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. જે કોઇ પોતાનું નામ જાહેર કરવા ન માગતું હોય તેના માટે અલગ પ્રકારની સરેન્ડર બીન્સ પણ મૂકવામાં આવશે.
સરકારે જણાવ્યું છે કે નિર્ધારિત સમયગાળામાં જે લોકો પોતાના હથિયારો જમા કરાવી દેશે તેમની સામે કોઇ કાયદાકીય કાર્યવાહી કે ધરપકડ કરાશે નહીં. આ સમયગાળા પછી જેમની પાસેથી આ પ્રકારના હથિયાર મળશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થશે અને તેમને જેલની સજા પણ થઇ શકે છે. ડેમ ડાયનાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના હથિયારોની આપણા ઘરો કે સડકો પર કોઇ આવશ્યકતા નથી.