લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સામે ઝઝૂમી રહેલા પરિવારોને રાહત આપવાનો પ્રયાસ કરતાં નેશનલ ઇન્શ્યૂરન્સમાં બે ટકાનો ઘટાડો કરવાની બજેટમાં ઘોષણા કરી હતી. હન્ટે જણાવ્યું હતું કે, એપ્રિલ 2024થી બ્રિટનના 27 મિલિયન કામદારો માટે નેશનલ ઇન્શ્યૂરન્સનો સ્ટાર્ટર રેટ 10 ટકાથી ઘટાડીને 8 ટકા કરાયો છે. તે ઉપરાંત બે મિલિયન જેટલા સ્વરોજગાર કરતા કામદારો માટેનો નેશનલ ઇન્શ્યૂરન્સ રેટ 8 ટકાથી ઘટાડીને 6 ટકા કરાયો છે.
હન્ટે જણાવ્યું હતું કે, નેશનલ ઇન્શ્યૂરન્સ રેટમાં ઘટાડાના કારણે સરેરાશ 35,000 પાઉન્ડનો પગાર ધરાવતા કર્મચારીને વાર્ષિક 450 પાઉન્ડની બચત થશે. તેવી જ રીતે સ્વરોજગાર કરતા કામદારો સરેરાશ 28,200 પાઉન્ડની આવક પર વર્ષે 350 પાઉન્ડ બચાવી શકશે.
આ જાહેરાત પહેલાં કામદારો 12,570 પાઉન્ડ કરતાં વધુની આવક પર 10 ટકા અને 50,270 પાઉન્ડ કરતાં વધુની આવક પર બે ટકા નેશનલ ઇન્શ્યૂરન્સ ચૂકવતાં હતાં. 6 જાન્યુઆરી પહેલાં આ દર 12 ટકા હતો પરંતુ ઓટમ બજેટમાં હન્ટે રાહત આપતાં બે ટકાનો ઘટાડો કર્યો હતો. સરકારનો દાવો છે કે નેશનલ ઇન્શ્યૂરન્સમાં બે ટકાના ઘટાડાને પગલે હવે 35,000 પાઉન્ડનો વાર્ષિક પગાર ધરાવતા કામદારને વર્ષે કુલ 900 પાઉન્ડની બચત થશે.
એનઆઇમાં આ ઘટાડાને પગલે 30,000 પાઉન્ડનો પગાર ધરાવતા કર્મચારીને પહેલાં 1,743 પાઉન્ડ નેશનલ ઇન્શ્યૂરન્સ પેટે ચૂકવવા પડતા હતા પરંતુ એપ્રિલ 2024 બાદ 1,394.40 પાઉન્ડ ચૂકવવા પડશે. તેનો અર્થ એ થયો કે તે વાર્ષિક 348.60 પાઉન્ડની બચત કરી શકશે.
નેશનલ ઇન્શ્યૂરન્સમાં કેટલા પગાર પર કેટલી રાહત
પગાર રાહત
1,50,000 પાઉન્ડ 754 પાઉન્ડ
1,00,000 પાઉન્ડ 754 પાઉન્ડ
85,000 પાઉન્ડ 754 પાઉન્ડ
75,000 પાઉન્ડ 754 પાઉન્ડ
50,000 પાઉન્ડ 749 પાઉન્ડ
35,000 પાઉન્ડ 449 પાઉન્ડ
25,000 પાઉન્ડ 249 પાઉન્ડ
15,000 પાઉન્ડ 49 પાઉન્ડ
•••
સ્પ્રિંગ બજેટ ઉડતી નજરે...
• નેશનલ ઇન્શ્યૂરન્સ નોકરિયાતો માટે બે ટકા ઘટાડીને 8 ટકા કરાયો, સ્વરોજગાર કરતા વ્યવસાયીઓ માટે 6 ટકા
• આવકવેરામાં કોઇ રાહત ન અપાઇ
• નોન ડોમ ટેક્સ રિજિમ રદ કરાશે. એપ્રિલ 2025થી નવા નિયમો લાગુ
• નાના રોકાણકારો માટે નવી યુકે આઇએસએ સ્કીમનો પ્રારંભ કરાશે
• 60,000 પાઉન્ડ સુધીની આવક ધરાવતા પરિવારોને તમામ ચાઇલ્ડ બેનિફિટ્સ અપાશે
• 80,000 પાઉન્ડ સુધીની આવક ધરાવતા પરિવારોને આંશિક ચાઇલ્ડ બેનિફિટ્સ અપાશે
• ઇમર્જન્સી બજેટિંગ લોન પરત ચૂકવવાનો સમયગાળો 12 મહિનાથી વધારી 24 મહિના કરાયો
• કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના પીડિતોને અપાતી મદદ
6 મહિના લંબાવાઇ
• ડેબ્ટ રિલીફ ઓર્જર પરની 90 પાઉન્ડની ફી નાબૂદ કરાઇ
• આલ્કોહોલ પરની ડ્યૂટી ફેબ્રુઆરી 2025 સુધી યથાવત
• ઓક્ટોબર 2026થી વેપિંગ ઉત્પાદનો પર નવો ટેક્સ લદાશે
• ટોબેકો ડ્યુટી 2 પાઉન્ડ પ્રતિ 100 સિગારેટ કરાશે
• ફ્યુઅલ ડ્યુટી પરનો પાંચ ટકાનો કાપ વધુ એક વર્ષ માટે લંબાવાયો
• ઓઇલ કંપનીઓ પરન વિન્ડફોલ ટેક્સ 2029 સુધી જારી રહેશે
• બિઝનેસ ક્લાસ ટિકિટ પરની એર પેસેન્જર ડ્યુટીમાં વધારો કરાશે
• પ્રોપર્ટી વેચાણ પરનો હાયર કેપિટલ ગેઇન ટેક્સ 28 ટકાથી ઘટાડીને 24 ટકા કરાયો
• હોલીડે લેટ પ્રોપર્ટીના માલિકોને અપાતી કરરાહત નાબૂદ કરાઇ
• એકથી વધુ પ્રોપર્ટીની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટીમાં અપાતી રાહત નાબૂદ
• વેટ માટે ફરજિયાત રજિસ્ટ્રેશ માટેની મર્યાદા એપ્રિલ 2024થી 85,000 પાઉન્ડથી વધારીને 90,000 પાઉન્ડ કરાઇ
• કોવિડ મહામારી દરમિયાન અપાતી લોન સ્કીમ માર્ચ 2026 સુધી લંબાવાઇ
• પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન વતી લડનારા મુસ્લિમોના સન્માનમાં સ્મારક બનાવાશે