લંડનઃ શું બ્રિટિશ મતદારો લેબરને ચૂંટીને પસ્તાઇ રહ્યાં છે... તાજેતરમાં કરાયેલા એક સરવે પ્રમાણે ઘણા લોકો સર કેર સ્ટાર્મર સરકારના શાસન કરતાં અગાઉની રિશી સુનાક સરકારને વધુ પસંદ કરી રહ્યાં છે. એક થિન્ક ટેન્ક દ્વારા કરાયેલા સરવેમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકો અગાઉની ટોરી સરકારની સરખામણીમાં લેબર સરકારને ઓછી પસંદ કરી રહ્યાં છે. સરવેમાં ભાગ લેનારા 31 ટકા લોકોએ રિશી સુનાકની સરકારને પસંદ કરી હતી જ્યારે 29 ટકાએ લેબર સરકારની તરફેણમાં મત આપ્યો હતો.
વડાપ્રધાન સ્ટાર્મર અને તેમના મંત્રીઓ પર મફતની રેવડીઓ સ્વીકારવાના આરોપો, વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ સ્થગિત કરવાના નિર્ણય બાદ લેબર સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થઇ રહ્યો છે. સ્ટાર્મર સરકારને હજુ સત્તામાં આવ્યાને માંડ 3 મહિના થયાં છે.
હવે ફક્ત 22 ટકા મતદારો માને છે કે આગામી સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટી વિજેતા બની શકે છે જ્યારે 23 ટકાનું માનવું છે કે કન્ઝર્વેટિવ પાછા સત્તામાં આવી જશે.
શું લેબર પાર્ટીને મત આપ્યાનો પસ્તાવો થાય છે તેવા સવાલના જવાબમાં 33 ટકા મતદારોએ હકારમાં જવાબ આપ્યો હતો. ફક્ત પાંચ ટકા મતદારોએ ટોરીઝને સમર્થન આપવા પર ખેદ વ્યક્ત કર્યો હતો.