લંડનઃ 4 જુલાઇના રોજ યોજાયેલી સંસદની ચૂંટણીના અસામાન્ય પરિણામ આવી ગયાં છે. સર કેર સ્ટાર્મરના નેતૃત્વમાં લેબર પાર્ટીએ બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો અને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરતાં સંસદની 650 બેઠકમાંથી 412 બેઠક પર વિજય હાંસલ કર્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીને તેના ઇતિહાસના સૌથી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. રિશી સુનાકના નેતૃત્વમાં પાર્ટીને ફક્ત 121 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
પરંતુ આ વખતની સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બ્રિટિશરોનો દબદબો રહ્યો છે. ચૂંટણી જંગમાં ઝંપલાવનારા 107 જેટલાં બ્રિટિશ ભારતીયમાંથી 29 હાઉસ ઓફ કોમન્સમાં પહોંચવામાં સફળ રહ્યાં છે. પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક સહિત કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે 7 બ્રિટિશ ભારતીય ચૂંટાઇ આવ્યાં છે જ્યારે લેબર પાર્ટીમાંથી લિસા નંદી સહિત 19 બ્રિટિશ ભારતીય સંસદમાં પહોંચ્યાં છે.
સંસદની આ રેસમાં બ્રિટિશ ગુજરાતીઓ માટે આશ્વાસનજનક પરિણામ જોવાં મળ્યાં હતાં. લેસ્ટર ઇસ્ટમાંથી કન્ઝર્વેટિવ ઉમેદવાર અને ગુજરાતના દીવ સાથે જોડાણ ધરાવતા શિવાની રાજા, લેસ્ટર સાઉથમાંથી અપક્ષ ઉમેદવાર શૌકત આદમ પટેલ અને ડ્યુસબરી એન્ડ બેટલી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે મૂળ ભરૂચના એવા ઇકબાલ મોહમ્મદ ચૂંટાઇ આવ્યાં હતાં. પૂર્વ હોમ સેક્રેટરી અને ટોરી નેતા પ્રીતિ પટેલે વિધામ બેઠક પર વિજય હાંસલ કર્યો હતો. આમ હાઉસ ઓફ કોમન્સમાં ફક્ત 4 બ્રિટિશ ગુજરાતી સાંસદ જોવા મળશે.
ભારતીય મૂળના લેબર પાર્ટીના વિગાન બેઠક પરથી ચૂંટાઇ આવેલા લિસા નંદીને સર કેર સ્ટાર્મરે તેમની કેબિનેટમાં સ્થાન આપી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ તરીકેની જવાબદારી સોંપી છે.