40 બિલિયન પાઉન્ડનો કમરતોડ કરબોજ લાદતું લેબરનું પહેલું બજેટ

એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સ, કેપિટલ ગેઇન ટેક્સમાં તોતિંગ વધારો, કર્મચારી દ્વારા ચૂકવાતા નેશનલ ઇન્શ્યુરન્સ અને ઇન્કમટેક્સના દર યથાવત, એપ્રિલ 2025થી નોન ડોમ સ્ટેટસ નાબૂદ, પ્રાઇવેટ સ્કૂલ ફી પર વેટની વસૂલાત, ઇંગ્લેન્ડમાં બસ ભાડા મર્યાદા 3 પાઉન્ડ કરાઇ, ઇનહેરિટન્સ ટેક્સ થ્રેશહોલ્ડ બે વર્ષ લંબાવાઇ, 2027થી પેન્શન પોટ્સ પર ટેક્સ

Thursday 07th November 2024 00:29 EST
 
 

લંડનઃ  કરવેરામાં વધારો પણ આગામી પાંચ વર્ષ સુધી આર્થિક વૃદ્ધિને વેગ આપી શકે તેમ નથી તેવી ચેતવણીઓ છતાં રીવ્ઝે તેમના પ્રથમ બજેટમાં કરવેરામાં કમરતોડ વધારો ઝીંક્યો છે અને આગામી પેઢીઓ માટે દેવુ કરવાની મર્યાદાઓમાં પણ વધારો કર્યો છે.

બ્રિટનની ભાંગી પડેલી જાહેર સેવાઓને બેઠી કરવા ચાન્સેલરે કરવેરામાં 40 બિલિયન પાઉન્ડનો વધારો કર્યો છે. 1993ના નોર્મન લેમોન્ટના બજેટ પછી કરવેરામાં આ સૌથી મોટો વધારો છે. કરવેરામાં સૌથી મોટો વધારો એમ્પ્લોયર્સ દ્વારા અપાતા નેશનલ ઇન્શ્યુરન્સમાં કરાયો છે. તેના દ્વારા સરકારને 2029 સુધીમાં 25.7 બિલિયન પાઉન્ડની આવક થશે. એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સ આગામી એપ્રિલથી 1.2 પર્સન્ટેજ પોઇન્ટના વધારા સાથે 15 ટકા ચૂકવવો પડશે.

ચાન્સેલર રીવ્ઝે ઇનહેરિટન્સ ટેક્સ છૂટછાટો પર લગામ કસવાની જાહેરાતની સાથે પેન્શન પોટ્સ અને ફાર્મ લેન્ડને પહેલીવાર કરવેરામાં દાયરામાં લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આગામી બે વર્ષ માટે 3,25,000 પાઉન્ડની મર્યાદા યથાવત રાખી છે. તેમણે શેર અને અન્ય સંપત્તિના વેચાણમાંથી થતા નફા પરનો કેપિટલ ગેઇન ટેક્સ 20 ટકાથી વધારીને 24 ટકા કરવાની જાહેરાત કરી છે.

રાચેલ રીવ્ઝ યુકેનું બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા ચાન્સેલર બન્યાં

લંડનઃ 30 ઓક્ટોબરે હાઉસ ઓફ કોમન્સમાં લેબર સરકારનું બજેટ રજૂ કરનારા રાચેલ રીવ્ઝ યુકેના પ્રથમ મહિલા ચાન્સેલર બન્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશના ઇતિહાસમાં આ પહેલું બજેટ છે જે પ્રથમ મહિલા ચાન્સેલર દ્વારા રજૂ કરાયું છે. મે પ્રથમ મહિલા ચાન્સેલર હોવાનું ગૌરવ છે. તેમણે જણાવ્યું હતું કે, આર્થિક વૃદ્ધિ માટેનો એક માત્ર માર્ગ ઇન્વેસ્ટમેન્ટ જ છે. આર્થિક સ્થિરતા લાવવી અત્યંત મહત્વની છે.

 એપ્રિલ 2025થી નોન ડોમ સ્ટેટસની નાબૂદી

ચાન્સેલર રાચેલ રીવ્ઝે એપ્રિલ 2025થી ટેક્સ સિસ્ટમમાંથી નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. રીવ્ઝે જણાવ્યું હતું કે, હું હંગામી ધોરણે યુકેમાં આવતા લોકો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક એવી વ્યવસ્થા આધારિત રેસિડેન્સ બેઝ્ડ સ્કીમ લઇને આવીશ. ચાન્સેલરના આ પગલાના કારણે 2025-26માં વિદેશી આવક પર ટેક્સમાં મળતી 50 ટકાની છૂટ દૂર થશે. નવી સ્કીમમાં અમીર વિદેશીઓને યુકેમાં સ્થાયી થવા માટે ઇન્સેન્ટિવ્સ અપાશે. જોકે નિષ્ણાતોના મતે પગલું હાનિકારક પૂરવાર થશે અને તેની દૂરોગામી અસરો જોવા મળશે. નોન ડોમ સ્ટેટસ અંતર્ગત યુકેમાં રહેતા વિદેશી નાગરિકોએ તેમની યુકેની આવક પર જ ટેક્સ ચૂકવવાનો રહે છે જ્યારે વિદેશમાં થતી આવક પર કોઇ ટેક્સ ચૂકવવાનો થતો નથી.

કેપિટલ ગેઇન ટેક્સ અને સ્ટેમ્પ ડ્યુટીમાં વધારાથી લેન્ડ લોર્ડ્સને ફટકો

લંડનઃ લંડનના એસ્ટેટ એજન્ટ બેનહામ એન્ડ રીવ્ઝના જણાવ્યા અનુસાર કેપિટલ ગેઇન ટેક્સ અને સ્ટેમ્પ ડ્યુટીમાં વધારાના કારણે લેન્ડ લોર્ડ્સને ફટકો પડ્યો છે. 19 ટકા લેન્ડ લોર્ડ્સે તેમના બાય ટુ લેટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સ્થગિત કરી દીધાં છે. કેપિટલ ગેઇન ટેક્સમાં વધારાના કારણે હવે તેઓ ખચકાઇ રહ્યાં છે. 22 ટકા લેન્ડ લોર્ડ્સે જણાવ્યું હતું કે કેપિટલ ગેઇન ટેક્સમાં વધારાના કારણે અમારે અમારો પોર્ટફોલિયો ઘટાડી નાખવો પડશે. સેકન્ડ ટાઇમ હોમ પરચેઝ પરની સ્ટેમ્પ ડ્યુટીમાં 2 ટકાના વધારાએ તેમને નારાજ કર્યાં છે.

ઊંચા એનઆઇ ટેક્સને કારણે જીપી પ્રેકટિસ બંધ કરવાની નોબતઃ બીએમએ

જીપીઓએ જણાવ્યું છે કે તેમને એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સમાં વધુ યોગદાન આપવું પડશે તેના કારણે પ્રેકટિસ કરવામાં મુશ્કેલીઓ સર્જાશે. બીએમએ જીપી કમિટી યુકેના અધ્યક્ષ ડો. કેટી બ્રોમેલ સ્ટેઇનરે સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, જીપી પ્રોફેશન માટે આ નિર્ણય અત્યંત આઘાતજનક છે. તેમને આ ટેક્સ વધારો પરવડે તેમ નથી. તેમણે સ્ટાફ અને સેવાઓમાં ઘટાડો કરવો પડશે. જીપીએ 30,000 પાઉન્ડ કમાતા દરેક કર્મચારીના એનઆઇ પેટે દર વર્ષે 865.80 પાઉન્ડ વધારે ચૂકવવા પડશે. જીપીમાં કામ કરતો મહત્તમ સ્ટાફ આ કેટેગરીમાં આવે છે. તેનો અર્થ એ થયો કે કેટલીક સર્જરીએ એનઆઇ પેટે લાખો પાઉન્ડ ચૂકવવા પડશે.

રીવ્ઝ કન્ઝર્વેટિવે ફેલાવેલી અંધાધૂંધી દૂર કરી રહ્યા છેઃ ક્વાસી ક્વારતેંગ

લંડનઃ ટોરી નેતા અને પૂર્વ ચાન્સેલર ક્વાસી ક્વારતેંગે જણાવ્યું હતું કે, લેબર સરકારે બજેટમાં તેની આગામી દિશા સ્પષ્ટ કરી દીધી છે. રાચેલ રીવ્ઝ માટે સ્થિતિ અત્યંત મુશ્કેલ હતી. હું જાણું છું કે તેમની પાસે બહુ ઓછી તકો હતી. નબળા આર્થિક વૃદ્ધિદરે દેશને ઊંચા કરવેરા તરફ ધકેલી દીધો છે. મારા જેવા કન્ઝર્વેટિવ નેતાઓએ પ્રમાણિક બનવું જોઇએ. રાચેલ રીવ્ઝ કન્ઝર્વેટિવ પાર્ટીએ ફેલાવેલી અંધાધૂંધીને દૂર કરી રહ્યાં છે. 1940ના દાયકા બાદ 2019માં બોરિસ જ્હોન્સનની સરકાર અંતર્ગત કરવેરા ઊંચા સ્તરે પહોંચ્યા હતા.

પર્સનલ ટેક્સઃ કર્મચારીઓ માટેનો નેશનલ ઇન્શ્યુરન્સ અને ઇન્કમ ટેક્સ યથાવત

-          કર્મચારીઓ દ્વારા ચૂકવાતા ઇન્કમટેક્સ અને નેશનલ ઇન્શ્યુરન્સના દરોમાં કોઇ બદલાવ નહીં, વેટ પણ યથાવત

-          ઇન્કમટેક્સ બેન્ડ થ્રેશહોલ્ડમાં 2028 પછી ફુગાવાના આધારે વધારો કરાશે જેના પગલે પગારમાં વધારાના કારણે કરદાતાઓ ઊંચા સ્લેબથી બચી શકશે

-          શેર અથવા સંપત્તિના વેચાણમાંથી થતા નફા પરના કેપિટલ ગેઇન ટેક્સનો લોઅર રેટ 10 ટકાથી વધારીને 18 ટકા, હાયર રેટ 20 ટકાથી વધારી 24 ટકા કરાયો

-          વધારાની સંપત્તિના વેચાણમાંથી થતા નફા પરના દરો યથાવત રખાયાં

-          ઇનહેરિટન્સ ટેક્સ થ્રેશહોલ્ડ બે વર્ષ લંબાવાતા 2030 સુધી યથાવત

-          ખર્ચાયા ન હોય તેવા પેન્શન પોટ્સ પર વર્ષ 2027થી ટેક્સ લાગશે

-          2026થી વારસામાં મળેલી ખેતીની જમીન પરનો ઇનહેરિટન્સ ટેક્સ લાગુ થશે

બિઝનેસ ટેક્સઃ એમ્પ્લોયર નેશનલ ઇન્શ્યુરન્સ વધારીને 15 ટકા કરાયો

-          એપ્રિલ 2025થી કંપનીઓએ 5000 પાઉન્ડથી વધુના પગાર પર 15 ટકા નેશનલ ઇન્શ્યુરન્સ ચૂકવવો પડશે, 9100 પાઉન્ડથી વધુના પગાર પર 13.8 ટકા નેશનલ ઇન્શ્યુરન્સ ચૂકવવો પડશે

-          નેશનલ ઇન્શ્યુરન્સ જવાબદારી ઘટાડવા માટે નાની કંપનીઓને પરવાનગી આપતું એમ્પ્લોયમેન્ટ એલાઉન્સ 5000 પાઉન્ડથી વધારી 10,500 પાઉન્ડ

-          સફળ સોદાઓમાં નફાના હિસ્સા પર પ્રાઇવેટ ઇક્વિટી મેનેજર્સ દ્વારા ચૂકવાતો ટેક્સ એપ્રિલ 2025થી 28 ટકાથી વધીને 32 ટકા થશે

-          2,50,000 પાઉન્ડ કરતાં વધુ કરપાત્ર નફા પર બિઝનેસો દ્વારા ચૂકવાતો કોર્પોરેશન ટેક્સ આગામી ચૂંટણી સુધી 25 ટકા પર યથાવત

-          રિટેલ, હોસ્પિટાલિટી અને લીઝર બિઝનેસો માટે 2026-27થી નીચા બિઝનેસ રેટ લાગુ કરાશે. ત્યાં સુધી 1,10,000 પાઉન્ડની મર્યાદામાં તેમને બિઝનેસ રેટ પર 40 ટકાની રાહત મળશે

વેતન, લાભ અને પેન્શનઃ એપ્રિલથી લઘુત્તમ વેતન પ્રતિ કલાક 12.21 પાઉન્ડ

-          21થી વધુ વયના કર્મચારીઓ માટે લઘુત્તમ વેતનનો દર એપ્રિલ 2025થી પ્રતિ કલાક 11.44 પાઉન્ડથી વધારીને 12.21 પાઉન્ડ કરાયો

-          18થી 20ની વયજૂથના કર્મચારીઓ માટે લઘુત્તમ વેતનનો દર પ્રતિ કલાક 8.60 પાઉન્ડથી વધારીને 10.00 પાઉન્ડ કરાયો, સરકાર સિંગલ એડલ્ટ રેટની દિશામાં આગળ વધશે

-          ટ્રીપલ લોકના કારણે આગામી વર્ષથી બેઝિક અને નવા સ્ટેટ પેમેન્ટમાં 4.1 ટકા સુધીનો વધારો

-          ફૂલ ટાઇમ કેરટેકર્સને ચૂકવાતું એલાઉન્સ પ્રતિ સપ્તાહ 151 પાઉન્ડથી વધારી 195 પાઉન્ડ કરાશે

પ્રાઇવેટ સ્કૂલ ફી અને એજ્યુકેશનઃ ફી પર વેટ પરંતુ એજ્યુકેશનમાં 6.7 બિલિયનની ફાળવણી

-          જાન્યુઆરી 2025થી પ્રાઇવેટ સ્કૂલની ફી પર વેટ લાગુ કરાશે

-          ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને 6.7 બિલિયન પાઉન્ડનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ

-          500 કરતાં વધુ શાળાઓના પુનઃનિર્માણ માટે 1.4 બિલિયન પાઉન્ડ

-          શિક્ષકોની નિયુક્તિ માટે શાળાઓના બજેટમાં 2.3 બિલિયન પાઉન્ડનો વધારો

-          સ્કૂલ મેન્ટેનન્સ માટે 2.1 બિલિયન પાઉન્ડની ફાળવણી

-          સ્પેશિયલ એજ્યુકેશન નીડ્સ માટેના ફંડિંગમાં 1 બિલિયન પાઉન્ડનો વધારો

-          હાયર એજ્યુકેશન માટે 300 મિલિયન પાઉન્ડની વધારાની સહાય

એનએચએસઃ 10 વર્ષીય યોજના, 22.6 બિલિયન પાઉન્ડની વધારાની સહાય

-          એનએચએસને બેઠી કરવા 10 વર્ષીય યોજના, આગામી વર્ષે પ્રોડક્ટિવિટીમાં 2 ટકા વધારાનો લક્ષ્યાંક

-          હેલ્થ બજેટમાં 22.6 બિલિયન પાઉન્ડના વધારાની જાહેરાત, કેપિટલ બજેટમાં 3.1 બિલિયન પાઉન્ડની ફાળવણી

-          હોસ્પિટલોની મરામત અને અપગ્રેડેશન કરાશે, નવા બેડ અને ટેસ્ટિંગ ક્ષમતા વધારવા 1.5 બિલિયન પાઉન્ડ ખર્ચાશે

ટ્રાન્સપોર્ટઃ ફ્યુઅલ ડ્યૂટી યથાવત, બસ ભાડાની મર્યાદા 3 પાઉન્ડ કરાઇ, હવાઇ મુસાફરી મોંઘી

-          અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા એપ્રિલ 2025 સુધી પેટ્રોલ અને ડીઝલ પરની ફ્યુઅલ ડ્યુટીમાં 5 ટકાનો ઘટાડો કરાયો હતો જે વધુ એક વર્ષ માટે જારી રહેશે

-          ઇંગ્લેન્ડમાં લંડનની બહાર અને ગ્રેટર માન્ચેસ્ટરમાં સિંગલ બસ ભાડાની 2 પાઉન્ડની મર્યાદા જાન્યુઆરી 2025થી 3 પાઉન્ડ થશે

-          સેન્ટ્રલ લંડનમાં યુસ્ટન સ્ટેશન સુધી એચએસટુ હાઇસ્પીડ રેલ લાઇન લઇ જવાના ટનલિંગ વર્ક માટે આર્થિક સહાય

-          યોર્ક અને માન્ચેસ્ટર વચ્ચેની ટ્રાન્સપેનાઇન રેલ અપગ્રેડેશન માટે સરકાર પ્રતિબદ્ધ

-          એર પેસેન્જર ડ્યુટીમાં વર્ષ 2026થી વધારો. ટૂંકા અંતરની ફ્લાઇટ માટે 2 પાઉન્ડ સુધી અને લાંબા અંતરની ફ્લાઇટ માટે 12 પાઉન્ડનો વધારો, પ્રાઇવેટ જેટ માટે એર પેસેન્જર ડ્યુટીમાં 50 ટકા સુધીનો વધારો

-          ઇંગ્લેન્ડની સડકોના ગાબડાં પૂરવા આગામી વર્ષે વધારાના 500 મિલિયન પાઉન્ડની ફાળવણી

-          ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા વાહન માલિકો દ્વારા ચૂકવાતી વ્હિકલ એક્સાઇઝ ડ્યુટી નવી કારના પ્રથમ વર્ષ માટે બમણી કરાઇ

શરાબ અને ધુમ્રપાનઃ વેપિંગ લિક્વિડ, તમાકુ ઉત્પાદનો, આલ્કોહોલ પરના ટેક્સમાં વધારો

-          ઓક્ટોબર 2026થી પ્રતિ 10 મિલી વેપિંગ લિક્વિડ પર 2.20 પાઉન્ડનો ફ્લેટ રેટ ટેક્સ

-          તમાકુ પરના ટેક્સમાં ફુગાવાના દર કરતાં 2 ટકા સુધીનો વધારો, હેન્ડ રોલિંગ ટોબેકો પરના ટેક્સમાં 10 ટકાનો વધારો

-          નોન ડ્રાફ્ટ આલ્કોહોલ ડ્રીંક્સ પરના ટેક્સમાં વધારરો, ડ્રાફ્ટ ડ્રીંક્સ પરના ટેક્સમાં 1.7 ટકાનો ઘટાડો

-          સોફ્ટ ડ્રીંક્સ પરના સુગર ટેક્સમાં વધારાની સમીક્ષા કરાશે, મિલ્ક બેઝ્ડ બેવરેજીસ પર ટેક્સની વિચારણા કરાશે

જાહેર સેવાઓ માટે સરકારની ફાળવણીઓ

-          ઇંગ્લેન્ડમાં એનએચએસ અને એજ્યુકેશનના ડે ટુ ડે ખર્ચમાં 4.7 ટકાનો વધારો

-          સંરક્ષણ ખર્ચમાં 2.9 બિલિયન પાઉન્ડનો વધારો

-          હોમ ઓફિસના બજેટમાં આ વર્ષે 3.1 ટકા અને આગામી વર્ષે 3.3 ટકાનો ઘટાડો

-          આગામી વર્ષે લોકલ કાઉન્સિલોને 1.3 બિલિયન પાઉન્ડની વધારાની ફાળવણી

હાઉસિંગઃ સ્ટેમ્પ ડ્યુટી સરચાર્જમાં વધારો, પ્રથમવાર મકાન ખરીદી પર પણ ટેક્સ

-          સોશિયલ હાઉસિંગ પ્રોવાઇડર્સને મલ્ટી યર સેટલમેન્ટ અંતર્ગત ફુગાવાના દરના આધારે ભાડામાં વધારાની પરવાનગી અપાશે

-          રાઇટ ટુ બાય સ્કીમ અંતર્ગત સંપત્તિની ખરાદી કરતા સોશિયલ હાઉસિંગ ભાડુઆતોને અપાતા ડિસ્કાઉન્ટમાં ઘટાડો

-          ઇંગ્લેન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં બીજું મકાન ખરીદવા પર ચૂકવવાના થતો સ્ટેમ્પ ડ્યુટી સરચાર્જ 3 ટકાથી વધારી 5 ટકા કરાયો

-          એપ્રિલ 2025થી પ્રથમ મકાન ખરીદનારને 2,50,000 પાઉન્ડના સ્થાને 1,25,000 પાઉન્ડની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે

-          પ્રથમવાર મકાન ખરીદનારને હવે 4,25,000 પાઉન્ડના સ્થાને 3,00,000 પાઉન્ડની ખરીદી પર ટેક્સ ચૂકવવો પડશે

એનર્જી સેક્ટરઃ વીજળી બિલ ઘટાડવા માટેના પગલાં લેવાશે

-          વીજળીના બિલ ઘટાડવા, બિલ્ડિંગોને અપગ્રેડ કરવા અને મકાનોને ગરમ રાખવાની યોજના અંતર્ગત 3.4 બિલિયન પાઉન્ડ ખર્ચાશે

-          સરકાર નવી ગ્રેટ બ્રિટિશ એનર્જી માટે ભંડોળની ફાળવણી કરશે

-          ઓઇલ પ્રોફિટ લેવીમાં 38 ટકા સુધીનો વધારો કરાશે

યુકે – અર્થતંત્રના અંદાજ

 વર્ષ – જીડીપી વૃદ્ધિદર

2024 – 1.1 ટકા

2025 – 2.0 ટકા

2026 – 1.8 ટકા

યુકે – ફુગાવાનું ચિત્ર

વર્ષ – ફુગાવાનો દર

2024 – 2.5 ટકા

2025 – 2.6 ટકા

2026 – 2.3 ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter