50 ફૂટ ઊંચું ફર ટ્રી બન્યું છે ક્રિસમસનું આકર્ષણ

Wednesday 14th December 2022 08:08 EST
 
 

લંડનઃ ગુજરાતીમાં કહેવત છે ધીરજના ફળ મીઠા, પણ બ્રિટનના કિસ્સા માટે તો એમ જ કહી શકાય કે ધીરજનું ફર ટ્રી મોટું! વર્સેસ્ટરશાયરના ઇન્કબેરો ટાઉનના કપલ ક્રિસ્ટોફર અને એવરિલ રોલેન્ડે 1978માં નવા ઘરમાં તેમની પહેલી ક્રિસમસની યાદગીરીરૂપે 6 પાઉન્ડના ખર્ચે ફ્રન્ટ ગાર્ડનમાં એક ફર ટ્રી વાવ્યું હતું. આ ફર ટ્રી આજે 44 વર્ષે વધતાં વધતાં 50 ફૂટનું થઈ ચૂક્યું છે અને વર્સેસ્ટરશાયરનું મોટું ક્રિસમસ એટ્રેક્શન બની ગયું છે. આ ફર ટ્રી એટલું જાયન્ટ બની ગયું છે કે કેટલાક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.
ક્રિસ્ટોફર અને એવરિલ દર વર્ષે ક્રિસમસ પર આ ફર ટ્રીને લાઇટિંગથી સજાવે છે. આ લાઇટિંગ નિહાળવા આવતા લોકો તરફથી ડોનેશનપેટે મળતી રકમ તેઓ વિવિધ ચેરિટીને દાન કરી દે છે. આ વર્ષે તેમણે ત્રણ હજારથી વધુ લાઇટિંગનું ડેકોરેશન કર્યું છે અને અત્યાર સુધીમાં 750 પાઉન્ડનું ડોનેશન મળી ચૂક્યું છે. આ ફર ટ્રી હવે એટલું મોટું થઈ ચૂક્યું છે કે તેને ડેકોરેટ કરવામાં સરળતા રહે એ માટે એક લોકલ ફાર્મર તેનું ચેરી પિકર (જાયન્ટ ક્રેન જેવું મશીન) ક્રિસ્ટોફર એવરિલને ફ્રીમાં વાપરવા આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter